ખંભાળિયામાં આધાર પુરાવા વગરના કપાસના બિયારણ વેચતા બે શખ્સો

  • June 10, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યાવરણને નુકસાનકર્તા બિયારણ સામે દેવભૂમિ દ્વારકા એસઓજીની કાર્યવાહી

પર્યાવરણને નુકસાનકર્તા ખાતર તેમજ બિયારણ વેચતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લા એસ.ઓ.જી. પોલીસને સુચના આપવામાં આવતા આ અંગે ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા જરુરી કામગીરી કરવામાં આવી હતી.
હાલના સમયમાં ખેડૂતો દ્વારા પોતાની ખેત ઉપજ વધારવા માટે પર્યાવરણને નુકસાનકર્તા એવા વિવિધ પ્રકારના કપાસના બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું વેચાણ બજારમાં વધી રહ્યું હોય, આ અંગે એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાઠોડ અને વિજયસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતા રામશી ગોવાભાઈ ભોચીયા અને જામનગરમાં રહેતા દેશુર કરસનભાઈ રણમલભાઈ ભાટિયા નામના બે શકમંદ શખ્સોની અટકાયત કરી, ચેકિંગ કરતા તેની પાસે ગેરકાયદેસર રીતે બિલ કે આધાર પુરાવા વગરનો કપાસના બિયારણનો જથ્થો મળી આવ્યો હતો.
તેઓએ દુકાનમાં રાખેલા કપાસના બિયારણના જથ્થા અંગે સરકાર દ્વારા પાસેથી કોઈ મંજૂરી મેળવી ન હોવા છતાં પણ તેઓ દ્વારા કપાસના બિયારણનું વેચાણ કરવાની પેરવી કરતા આ અંગે રામશીભાઈ ભોચીયાની અત્રે સલાયા ફાટક પાસે આવેલી કપાસની દુકાનમાંથી તેમજ અન્ય એક શકમંદ દેશુરભાઈ ભાટીયાની અત્રે પોસ્ટ ઓફિસ રોડ ખાતે આવેલા એગ્રો સેન્ટરના ગોડાઉનમાંથી મળી કુલ રૂપિયા ૮૩,૦૦૦ ની કિંમતની ૮૩ કોથળીઓ ભરીને બિયારણનો જથ્થો હાલ બિલ કે આધાર પુરાવા વગરનો હોય, શકપડતી મિલકત તરીકે કબજે લઈ, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, નરેન્દ્રસિંહ રાઠોડ તથા વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application