BREAKING NEWS

ચોરી અને ધાડના બનાવને અંજામ આપનાર ગરબાળા ગેંગના બે સભ્યોને ઝડપી લેવાયા

  • January 01, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરી સહિત રાજયભરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ધાડ, ચોરીના અંજામ આપનાર ગરબાળા ગેંગના બે સાગરીતને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે પકડી પાડ્યા હતાં. જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય છ શખસોને ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે. પડધરી- વાવડીમાં લૂંટ અને ચોરી, સામખીયાળીમાં ચોરીનો પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ટોળકીના સામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં અનડીટેકટ ચોરી, લુંટ, ધાડના ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવાની અપાયેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણીની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસમાં લાગી હતી. દરમિયાન એએસઆઈ રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકરભાઇ અરબ, રોહિતભાઇ બકોત્રા અને પ્રકાશ પરમાર દ્વારા પડધરી પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટ-ધાડનો ગુનો તથા ચોરીનો ગુનો શોધી કાઢવા બનાવસ્થળ આજુબાજુના તેમજ હાઇવે રોડ તેમજ રાજકોટ શહેર વિસ્તારના ઘણા બધા સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ અને હ્યુમન સોર્સીસથી માહિતી મેળવી તેમજ ઇ-ગુજકોપ પોર્ટલથી માહિતી મેળવી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે સુભમ નવરીયા રસુલ ભાભોર (ઉ.વ.૨૭, રહે.છરછોડા, થરાળ ફળીયુ, ગરબાળા, દાહોદ) અને ગોરો ઉર્ફે કૈલાશ વરસીંગ ફુલજી મોહનીયા, (ઉ.વ.૨૫, રહે.હાલ. શિતલપાર્ક પાસે, સીનર્જી હોસ્પીટલ પાછળ, રાજકોટ, મુળ ગામ બીલીયા, ધાનપુર, દાહોદ) ને પકડી પાડી કાર્યવાહી કરી હતી. ઉપરાંતરાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારના વાવડીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામા પણ આરોપી સંડોવાયેલા હોવાથી તે ગુનો પણ ડિટેકટ થયો હતો.

જો કે, આ ગેંગ સાથે સંકડાયેલ અન્ય આરોપી રાજુ સવસીંગ બારીયા (રહે.છરછોડા, ગરબાળા, દાહોદ), ભરત બાદરસીંગ પલાસ (રહે.આંબલી, દાહોદ), રાકેશ રાળીયા પલાસ (રહે.ખજુરીયા (આંબલી) દાહોદ), જયંતી ઉર્ફે જેન્તી જવસીંગ પલાસ (રહે ખજુરીયા (આંબલી),ગરબાળા), પ્રકાશ દીતીયા પલાસ (રહે છરછોડા,ગરબાળા), મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા (રહે.સંડા, ભાભરા, અલીરાજપુર) ફરાર થઇ જતાં તેને ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે.



ટોળકીએ આચરેલા ગુનાની કબુલાત

આ ટોળકીએ દોઢેક મહિના પૂર્વે તા.૧૩-૧૧-૨૦૨૫ ના રાજકોટના વાવડી જીઆઇડીસીમાં છ સાત કારખાનામાં ચોરી અને ચોરીની કોશીષ કરેલ હતી. જે અંગે તાલુક પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે. બાદ બીજા દિવસે તસ્કર ગેંગે સામખીયાળી પાસે ચોરી કરવા માટે ગયા હતા પરંતુ રાત્રીના જગ્યા નહી મળતા ચોરી કરેલ નહી અને ત્યાં ખેતરમાં સુઇ રહેલ હતા.તેના બીજા દિવસે તા.૧૫/૧૧/૨૦૨૫ ના આ તસ્કર ગેંગે પડધરી પાસે જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ-ચાર કારખાનામાં તાળા તોડવાની કોશિષ કરેલ પરંતુ તુટેલ નહીં. બાદ એક ગોડાઉન પાસે એક માણસ સુતેલ હોય તેને ભરત બાદરસીંગ પાસે લોખંડનો સળીયો બતાવી બીવડાવેલ અને તેની પાસેથી સાતેક હજાર રૂપિયા હતા તે લઇ લીધેલ બાદ બીજા એક કારખાનામાં જઇ શટર તોડતા હતા તે વખતે મજુર જાગી જતા તેઓ જોઇ ગયેલ હોય જેથી મજુરો પાસે જઇ તેમની પાસેથી ફોન અને પાકીટ અને રોકડ રૂપિયા લઇ લીધેલ બાદ મજુરોને તેમની ઓરડીમાં પુરી દઇ બહારથી દરવાજાના આંગળીયા બંધ કરી મોબાઇલ ફોન ત્યાંજ મુકી ભાગી ગયેલ હતા. તેમજ વિસેક દિવસ પહેલા તા.૦૫-૧૨ ના આ તસ્કર ગેંગે પડધરી પાસે જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનાની દિવાલ ટપી અંદર જઈ કારખાનાની ઓફીસમાંથી રોકડ રૂપિયા અને લેપટોપની ચોરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application