PMJAY-મા યોજના હેઠળ ગેરરીતિ બદલ રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ સસ્પેન્ડ

  • December 17, 2024 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ખ્યાતિકાંડને લઈને રાજ્ય સરકાર સફાળી જાગી છે. ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે તેવું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે. રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ જણાતા બન્નેને સસ્પેન્ડ કરી દેવાઈ છે. જ્યારે ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઈ છે.  


સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શું ગેરરીતિ મળી?
રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૯૬ કેસમાં USG(અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને HPE (હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામીનેશન) રિપોર્ટમાં છેડછાડ જોવા મળી હતી. જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂ.૨,૯૪,૯૦,૦૦૦ પેનલ્ટી કરવામાં આવી છે. ઉપરોક્ત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશ્યાલીસ્ટ ડો.રાજેશ કંડોરિયા (G- 23640)ને યોજનામાંથી બર તરફ કરવામાં આવ્યા છે.


ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલમાં શું ગેરરીતિ મળી?
રાજકોટની જ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલમાં બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત હોસ્પિટલ પાસે AERB સર્ટિફિકેટ પણ નહોતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્પિટલમાં જરૂરી મેનપાવર હાજર નહોતા. હોસ્પિટલમાં ICUમાં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળ્યો હતો. ઓટી નોટ અને એનેસ્થેસિયા નોટમાં ડોકટર દ્વારા દર્શાવેલ માહિતીમાં વિસંગતા જોવા મળી હતી. જે બદલ કિષ્ના સર્જીકલ હોસ્પિટલ-ઉપલેટાને યોજના અંતર્ગત ઉપરોક્ત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. 


ભરૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફ્ટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી-ઓથની  કુલ રૂ.૩૩,૪૪,૦૩૧ રકમ રિકવરી કરવામાં આવશે. તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી SGRC(સ્ટેટ ગ્રિવેન્સ રીડ્રેશલ કમીટિ)માં લેવામાં આવશે.


વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્યમાન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ગેરરીતિ બદલ હોસ્પિટલના પ્રી-ઓથની કુલ રૂ.૫૭,૫૧,૬૮૯ રકમ રિકવરી કરવાનું તેની પેનલ્ટી અંગેનો નિર્ણય અગામી સમયમાં થનારી SGRCમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત ગેરરિતીની ઘટનાઓ સામે આવી છે. જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી,  રેડિયોથેરાપી અને નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે જે આવતીકાલે સંભવિતપણે જાહેર કરવામાં આવશે.     



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application