BREAKING NEWS

અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકીઓના મોતના કેસમાં ઘટસ્ફોટ, માતા-પિતાના લોહીમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળતા રહસ્ય ઘેરાયું

  • April 09, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા માતા-પિતાના બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાનું તત્વ (કન્ટેન્ટ) મળી આવતા આ કેસ હવે અકસ્માતને બદલે ગુનાહિત કાવતરું કે આત્મહત્યાના પ્રયાસ તરફ વળી રહ્યો હોય તેવું જણાય છે.


રિપોર્ટમાં ઊંઘની દવાનું તત્વ મળતા પોલીસ ચોંકી

ચાંદખેડામાં રહેતા વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતમાં પરિવારે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસને આ બાબતે શંકા જતા દંપતીના બ્લડ સેમ્પલ લઈને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, FSL રિપોર્ટમાં દંપતીના લોહીમાં ઊંઘની દવાનું પ્રમાણ જોવા મળ્યું છે. આ રિપોર્ટ બાદ હવે તપાસની દિશા બદલાઈ છે.


શું આ ફૂડ પોઈઝનિંગ છે કે બીજું કંઈ?

તબીબી નિષ્ણાતો અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર ઢોંસાનું ખીરું ખાવાથી બે બાળકીઓના તત્કાલ મોત થાય અને માતા-પિતાની હાલત આટલી ગંભીર થઈ જાય તે વાત તબીબી દ્રષ્ટિએ ગળે ઉતરે તેવી નથી. બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળતા હવે પોલીસ 'હત્યા' અથવા 'સામૂહિક આત્મહત્યા'ના પ્રયાસના એંગલથી તપાસ કરી રહી છે. શું માતા-પિતાએ બાળકોને દવા આપીને પોતે ખાધી હતી? કે પછી આમાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે? તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


ત્રણ માસની માસૂમનો મૃતદેહ બહાર કઢાયો

આ કેસમાં પોલીસની સતર્કતાને કારણે ગત 7 એપ્રિલના રોજ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દંપતીની ત્રણ માસની પુત્રી રાહાનું 4 એપ્રિલે મોત થયું હતું અને પરિવારે તેની અંતિમવિધિ (દફનવિધિ) પણ કરી દીધી હતી. જોકે, કેસ ગૂંચવાતા પોલીસે FSLની હાજરીમાં બાળકીનો મૃતદેહ જમીનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ બાદ બાળકીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.


પોલીસની તપાસનો ધમધમાટ

ચાંદખેડા પોલીસ હાલમાં નીચે મુજબના મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરી રહી છે, દંપતીના ઘરમાંથી કોઈ ઝેરી દવા કે ઊંઘની ગોળીઓના પેકેટ મળી આવ્યા છે કે કેમ? પરિવાર આર્થિક સંકટ કે કોઈ માનસિક તણાવમાં હતો? ઢોંસાના ખીરામાં બહારથી કંઈ ભેળવવામાં આવ્યું હતું? બાળકીઓના મોત પાછળનું સાચું કારણ શું છે?

આ કેસમાં હજુ પણ અનેક સવાલો વણઉકલ્યા છે. એફએસએલના રિપોર્ટ અને માતા-પિતાની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ થનારી કડક પૂછપરછમાં આ હૃદયદ્રાવક ઘટનાનું સત્ય બહાર આવવાની શક્યતા છે. અમદાવાદ પોલીસ આ મામલે ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી નિર્દોષ બાળકીઓને ન્યાય મળી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News