BREAKING NEWS

ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસ નિયમો બદલાયા, ગુજરાત વાહન વ્યવહાર કમિશનરનો RTOને પરિપત્ર

  • July 12, 2026 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યભરના તમામ સહાયક અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ (RTO અને ARTO)ને સંબોધીને એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્ર કેન્દ્ર સરકારના 'GSR 349(E)' નિયમોના કડક અમલીકરણ અંગે જાહેર કરાયો છે. પરિપત્રમાં સત્તાવાર રીતે જણાવાયું છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૮ મે, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાયેલા GSR 349(E) નોટિફિકેશનના યોગ્ય અમલ માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સોફ્ટવેરમાં જરૂરી ટેકનિકલ સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી આ ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી નોટિફિકેશનમાં દર્શાવેલી કાનૂની જોગવાઈઓ મુજબ જ પ્રાદેશિક કચેરીઓએ પોતાની દૈનિક કામગીરી સુનિશ્ચિત કરવાની રહેશે તેવી સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી.


આ નવા નિયમોના અમલીકરણ દરમિયાન મહેસાણા આરટીઓ કચેરી દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસને લગતા કેટલાક જટિલ મુદ્દાઓ પર વડી કચેરી પાસે લેખિતમાં માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. મહેસાણા આરટીઓની આ રજૂઆતના પગલે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ કરતા નવો પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્ર મુજબ, નોન-ટ્રાન્સપોર્ટ એટલે કે સામાન્ય નાગરિકોના ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન રિન્યૂઅલ (રીન્યૂઅલ ઓફ રજિસ્ટ્રેશન) માટે આવતી તમામ અરજીઓમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો અંતર્ગત અગાઉથી જે નિર્ધારિત ફી નક્કી કરવામાં આવી છે, તે જ વસૂલવાની રહેશે.


આ પરિપત્રનો સૌથી મહત્વનો અને સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત આપતો મુદ્દો ફિટનેસ સર્ટિફિકેટની લેટ ફી અંગેનો છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, GSR 349(E) ના નવા નિયમો હેઠળ પ્રથમ વખત નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનો માટે પણ ફિટનેસ પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આથી, હાલના તબક્કે જ્યારે આવા ખાનગી વાહનોનું સર્વપ્રથમ વખત ફિટનેસ પરીક્ષણ (ટેસ્ટિંગ) કરાવવામાં આવશે, ત્યારે જો વાહન માલિક તરફથી સમયમર્યાદામાં કોઈ વિલંબ થયો હશે, તો પણ તેમની પાસેથી રોજના રૂ.૫૦ લેખે વસૂલવામાં આવતો વધારાનો લેટ ફીનો દંડ લેવામાં આવશે નહીં. તંત્રના આ નિર્ણયથી હજારો વાહન ચાલકોને આર્થિક રાહત મળશે.


જોકે, વાહન ચાલકોએ એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે આ માફી માત્ર પ્રથમ વખતના ફિટનેસ ટેસ્ટ માટે જ લાગુ પડશે. એકવાર વાહનનું પ્રથમ ફિટનેસ પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયા બાદ, ભવિષ્યમાં જ્યારે પણ તે ફિટનેસ સર્ટિફિકેટ મુદત પૂરી થતાં ફરીથી રિન્યૂઅલ કરાવવાનું થશે અને જો તેમાં વાહન માલિક તરફથી કોઈ પણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે, તો નિયમ મુજબ પ્રતિ દિવસ રૂ.૫૦નો વધારાનો લેટ ફી દંડ કડક રીતે લાગુ કરવામાં આવશે. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓને આ નવીન માર્ગદર્શિકાનો ત્વરિત અમલ કરવા અને તે મુજબ જ કામગીરી સુનિશ્ચિત આદેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application