જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે બોલેરો પિકપ વેન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે. જયારે દરેડ વિસ્તારના બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા થઈ છે, અને જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.
જામનગર નજીક જાંબુડા ચોકડીથી અલીયા ગામ તરફ જવાના માર્ગે પર ડબલ સવારી બાઈકમાં બેસીને મજલીસના કાર્યક્રમમાં જઈ રહેલા બેડેશ્ર્વરના રેહાન મુસાભાઈ સાઇચા (ઉ.વ. ૨૨) તેમજ હસન રઝાક અસગરભાઈ બુચડ તેઓના બાઈક નં. જીજે૧૦ડીએસ-૮૬૦૨ને બોલેરો પીકઅપ નં. જી.જે. ૧૦ ટી.એક્સ. ૧૪૪૮ના ચાલકે ઠોકરે ચડાવતાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે, જેઓની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે બોલેરો વેનના ચાલક સામે ગુનો નોંધ્યો છે. જે હાલ ભાગી છૂટ્યો હતો.
બંને મિત્રો બાઇકમાં તા. ૧૦ના રોજ જતા હતા ત્યારે ડીજે ભરેલ બોલેરો પીકઅપના ચાલકે બાઇકને ઓવરટેક કરી સાઇડ દબાવી ભટકાડતા આ અકસ્માત સર્જાયો હતો જેમા બંનેને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા છે. આ બનાવ અંગે રેહાનભાઇ દ્વારા બોલેરો પિકઅપ વાહન ચાલક સામે પંચ-એમાં ફરીયાદ નોંધાવી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર નજીક દરેડ વિસ્તારમાં બન્યો હતો. જ્યાંથી પોતાનું બાઈક નં. જીજે૧૦સીપી-૮૨૭૩ લઈને પસાર થઈ રહેલા જામનગરના હરીપાર્ક-૨માં રહેતા અને મુળ જાંબુડા ગામના વતની હિતેશ ઉમેદભાઈ ઝંડારિયા (ઉ.વ.૨૮)ને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા બાઈક ના ચાલકે ટક્કર મારી દેતાં પોતે નીચે પટકાઈ પડ્યા હતા, અને હાથ ના ભાગે ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર માં ખસેડાયા હતા જયાં હિતેશભાઇ દ્વારા પંચ-બીમાં અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.