કુચિયાદડ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પરે ઓચિંતી બ્રેક મારતા કાર તેની પાછળ ઘૂસી ગઈ, બે મિત્રોના મોત, બેને ગંભીર ઈજા

  • April 29, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર ટોલનાકા પાસે આવેલા કારખાનામાં કામ કરનાર ચાર મિત્રો કારમાં રાજકોટ નજીક સાત હનુમાન પાસે મામા સાહેબના મંદિરે માંડવામાં જતા હતા. ત્યારે કૂચીયાદડ પાસે બ્રિજ નજીક આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે ડમ્પર સાઈડમાં નહીં ઓચિંતી બ્રેક મારતા કાર ડમ્પર પાછળ અથડાઇ હતી. જેથી ચારેયને ઇજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર ઈજા થવા સબબ બે યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે રહેતા પ્રવીણ અમરસિંહ સારાવડીયા(ઉ.વ 24) નામના યુવાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વાંકાનેર ટોલનાકા પાસે આવેલા વ્હાઇટ હાઉસ નામના કારખાનામાં મજૂરી કામ કરે છે.


ગઈ તારીખ 26/4 ના રોજ રાત્રિના 10:30 વાગ્યા આસપાસ તે તથા કારખાનામાં તેની સાથે કામ કરનાર તેના મિત્રો અશોક બટુકભાઈ સીતાપરા, મનીષ બટુકભાઈ સીતાપરા, ધીરજ ઉર્ફે પ્રદીપ વીરજીભાઈ જાદવ સહિત ચારેય શેઠ પ્રફુલભાઈની વર્ના કાર નં.જીજે 3 ઇસી 7451 લઈ કારખાનેથી રાજકોટ સાત હનુમાન પાસે આવેલા મામા સાહેબના મંદિરે માંડવામાં આવવા માટે નીકળ્યા હતા. કાર અશોકભાઈ ચલાવતા હતા અને તેની બાજુની સીટમાં ધીરજ પ્રદીપ બેઠો હતો જ્યારે પાછળની સીટમાં ફરિયાદી પ્રવીણ તથા મનીષ બેઠો હતો.


રાત્રીના 11:30 વાગ્યા આસપાસ રાજકોટ અમદાવાદ હાઈવે પર કુચિયાદળ ગામ પાસે આવેલ બ્રિજ ચડતા હતા ત્યારે કારની આગળ એક ડમ્પર જતું હોય જેની ઓવરટેક કરવા જતા ડમ્પર ચાલકે સાઈડ સિગ્નલ આપ્યા વગર ડમ્પર સાઈડમાં લીધું હતું અને ઓચિંત બ્રેક મારી દેતા કાર ડમ્પર પાછળ અથડાઈ હતી. જેથી ચારેયને ઇજા પહોંચી હતી જેમાં આગળની સીટમાં બેઠેલા અશોક સીતાપરા અને ધીરજ ઉર્ફે પ્રદીપને ગંભીર ઇજા થવા સબબ બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે ફરિયાદી પ્રવીણ તથા મનીષને 108 મારફત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર થયાનું જ્યારે તેના મિત્ર મનીષને હેમરેજ થયાનું માલુમ પડ્યું હતું.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતની આ ઘટનામાં મોતને ભેટનાર અશોક બટુકભાઈ સીતાપરા (ઉ.વ 35) વાકાનેરમાં રહેતો હતો તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે ધીરજ ઉર્ફે પ્રદીપ(ઉ.વ 25) મૂળ બોટાદનો વતની છે અને હાલ વાંકાનેર રહેતો હતો. અકસ્માતની આ ઘટના અંગે પ્રવીણ સારાવડીયાની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે ડમ્પર નંબર જીજે 3 બીવાય 9024 ના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application