મોરબી રોડ પર અડધો કલાકમાં બે અકસ્માતમાં બે વૃધ્ધના મોત

  • June 26, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મોરબી રોડ પર અડધો કલાકના અંતરમાં બનેલી અકસ્માતની બે ઘટનામાં બે વૃધ્ધ મોતને ભેટયા હતાં.વેલનાથપરા પાસે ટ્રકે સાઇકલ સવાર ઉત્સવ સોસાયટીમાં રહેતા વૃધ્ધને ઠોકરે લેતા તેમનું મોત થયું હતું.જયારે અન્ય બનાવમાં જુના મોરબી રોડ પર કારખાનામાં ટ્રક રિવર્સ લેતી વેળાએ હડફેટે ચડી જતા ગંભીર રીતે ઘવાયેલા તામિલનાડુના વૃધ્ધનું મોત થયું હતું.પોલીસે બંને અકસ્માત અંગે ગુનો નોંધી ચાલકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે આવેલી ઉત્સવ સોસાયટીમાં રહેતા કેશુભાઈ ખોડાભાઈ ભેસાણીયા (ઉ.વ 60) નામના વૃદ્ધ ગઇકાલે બપોરના ત્રણ વાગ્યા આસપાસ સાયકલ લઈને વેલનાથપરાની સામે રેલ્વે બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે પાછળથી ધસી આવેલા ડમ્પર ચાલકે સાયકલ સવારને ઠોકરે લેતા વૃધ્ધ સાયકલ સહિત ફંગોળાયા હતા અને વૃધ્ધ ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળતા વૃધ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં વૃધ્ધના પરિવારજનો તાકીદે હોસ્પિટલ દોડી ગયા હતાં.બીજી તરફ બનાવને લઇ બી ડિવિઝન પોલીસના સ્ટાફે પણ પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતમાં મોતને ભેટનાર વૃધ્ધ ત્રણ ભાઈમાં વચેટ હતા.વૃધ્ધ ઘર નજીક આવેલા પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા. બપોરના સમયે ઘરે જમવા આવ્યા હતા અને જમીને સાયકલ લઇ પરત નોકરી ઉપર જતા હતા ત્યારે ઓવરલોડ ડમ્પર કાળ બનીને ત્રાટક્યો હોવાનું જાણવા મળ્યું છે.વૃધ્ધના મોતથી બે પુત્રો અને પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવી છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વૃધ્ધના પુત્ર અશોક કેશુભાઇ ભેસાણીયાની ફરિયાદ પરથી ડમ્પર ચાલક જીજે 3 બીડબલ્યુ 8422 ના ચાલક મોહન લીમસિંહ માવી સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેરસની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.આઇ.શેખ ચલાવી રહ્યા છે.
જ્યારે અકસ્માતના અન્ય બનાવમાં શહેરના જુના મોરબી રોડ પર આવેલા રાજેશ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને કામ કરતા મુરગનભાઈ પરવનાદન નાખર(ઉ.વ 63) વૃદ્ધ અહીં કારખાને હતા ત્યારે બોયલર વિભાગ સામે ટ્રક નં. જીજે-03-યુ-4492વાળું બેફિકરાઈથી રિવર્સ લેતી વેળાએ વૃદ્ધને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલાં વૃદ્ધનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશ ઓઇલ મિલ કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ તમિલનાડુના વતની છે.મૃતકના પુત્ર સેલ્વેકુમાર મુરગનભાઈ નાખર દ્વાર આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રક ચાલક કાનજી સોમાભાઇ જાડા વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.બંને બનાવની તપાસ પીએસઆઇ એમ.આઇ.શેખ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application