કૌભાંડમાં ડુબેલા નાણા મેળવવા એડીચોટીના જોર સાથે ભારે હવાતીયા: શહેરભરમાં ચકચાર: કરોડોના ચકચારી કૌભાંડમાં મનપાના પદાધિકારીના નાણા ડુબ્યા હોવાની ઉઠેલી વાતથી અંદરખાને ભારે ખળભળાટ
જામનગરમાં બહુ ચર્ચીત ક્રેડીટ બુલ્સના કરોડોના કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના ા.૨ કરોડ ફસાયા હોવાની વિગતો સપાટી પર આવી રહી છે જેના પગલે શહેરભરમાં ભારે ચકચાર જાગી છે, કૌભાંડમાં ડુબેલા નાણા મેળવવા કહેવાય છે કે, પદાધિકારી દ્વારા એડીચોટીના જોર સાથે ભારે હવાતીયા મારવામાં આવી રહ્યા છે, પરંતુ કરોડોના ચકચારી કૌભાંડમાં મનપાના પદાધિકારીના નાણા ડુબતા તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોવાનું ચીત્ર સર્જાયું છે, સ્વભાવીક રીતે જે નાણા ગયા છે તેની સતાવાર વિગતો તો કદાચ કયારેય સામે આવશે નહીં, આમ છતાં એક પદાધિકારીની આટલી મોટી રકમ કૌભાંડ કરનાર કંપનીએ ઓહીયા કરી હોવાની બાબત પણ રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
જામનગરમાં શેરબજારમાં રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી ક્રેડીટ બુલ્સ પેઢી દ્વારા કરોડો પિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, આ કૌભાંડનો આંકડો ૧૦૦ કરોડ માનવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં આ ચકચારી કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ પણ થઇ ચૂકી છે અને આ કૌભાંડ જામનગર નહીં અન્ય શહેરોમાં પણ આચારવામાં આવ્યું હોય ઇડી સહિતની એજન્સીઓએ તપાસમાં ઝુકાવ્યું છે, આ કૌભાંડમાં નાણા ડુબતા અનેક રોકાણકારો ખાસ કરીને મરણ મુળી રોકનાર લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે, ત્યારે આ ચકચારી કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના ા.૨ કરોડ ફસાયા હોવાનું અંતરંગ સુત્રોમાંથી જાણવા મળતાં ભારે ખળભળાટ મચ્યો છે.
આ કૌભાંડમાં ફસાયેલા ા.૨ કરોડ કેવી રીતે પાછા મેળવી શકાય ? તે માટે મહાનગરપાલીકાના આ પદાધિકારી દ્વારા પોતાના અંગત અને જુદા-જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, ા.૨ કરોડ જેવી તોતીંગ રકમ પાછી મેળવવા મહાનગરપાલીકાના આ પદાધિકારી દ્વારા એડીચોટીનું જોર લગાવી હવાતીયા મારવામાં આવી રહ્યાનું પણ સાંભળવા મળ્યું છે, પરંતુ હજુ સુધી એક પણ ફદીયું પદાધિકારીને પાછુ મળ્યું ન હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ પદાધિકારીને ક્રેડીટ બુલ્સ કૌભાંડમાં સંડોવાયેલા પોતાના ા.૨ કરોડ પાછા મળશે તેની શકયતા ખુબ જ ધુંધળી દેખાઇ રહી છે, કારણ કે આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર ફરાર છે, જે હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી.
આ પદાધિકારી દ્વારા અન્ય ફરિયાદીઓની જેમ ક્રેડીટ બુલ્સ સામે સતાવાર રીતે પોલીસ ફરિયાદ શું કામ કરવામાં આવી નથી ? એ બાબત પણ સ્વભાવીક રીતે ચર્ચાનો વિષય બની છે, શું પોલીસ ફરિયાદ કરવાથી ગાળીયો પોતાના જ ગળામાં આવે એવી ભીતિ હતી ? એવી પણ ચર્ચા સ્વભાવીક ઉઠે છે.
કૌભાંડનો મુખ્ય સુત્રધાર થાઇલેન્ડમાં છુપાયો હોવાની આશંકા...
ક્રેડીટ બુલ્સના કરોડોના કૌભાંડનો મુખ્ય સુત્રધાર ધવલ સોલાણી કે જેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે, આ કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાતા ધવલ ફરાર થઇ ગયો હતો, જે પહેલા દુબઇ અને ત્યારબાદ હાલમાં થાઇલેન્ડમાં છુપાયો હોવાની અંતરંગ સુત્રોએ જણાવ્યું છે, ત્યારે આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર કયારે પકડાશે તે જોવાનું રહ્યું.