ટ્રકમાં 3.31 લાખના ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

  • April 24, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એસએમસીની ટીમે અમદાવાદના પાર્થ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે ટ્રકમાંથી 3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલના ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લીધા હતા. આ બંને શખસો ઓરિસ્સાના અમન નામના શખસ પાસેથી ગાંજાનો આ જથ્થો લાવ્યા હતા અને તેઓ ગોંડલમાં ગાંજાનું વેપલો કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં અન્ય એક શખસની પણ સંડોવણી ખુલી છે. એસએમસીએ ગાંજાનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા 23.44 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, એસએમસી વડા નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શનમાં રાજ્યમાં ડ્રગ્સ-ગાંજાની હેરફેર અટકાવવા એસએમસીની ટીમ પ્રયત્નશીલ હતી. દરમિયાન પીઆઇ એ.જે.ચૌહાણ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે, રિયાઝશાહ ફકીર (રહે. વોરાકોટડા રોડ, ગોંડલ) પોતાની ટ્રક નંબર જીજે 3 ડીવી 0264 માં લોખંડના પાઇપની આડમાં માદક પદાર્થ લાવી હાલ સનાથલ સર્કલ નવાપુર રોડ ગોપાલ કોમ્પલેક્ષની પાછળ પાર્થ ઇન્ડસ્ટ્રીઝ સામે જાહેર રોડ પર છે.


આ માહિતીના આધારે પીએસઆઇ કે.ડી.રવિયા તથા તેમની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને અહીં પાર્થ ઇન્ડસ્ટ્રીઝ સામે આ શંકાસ્પદ ટ્રક નજરે પડતાં તેને કોર્ડન કરી ટ્રકમાં કેબીનની પાછળના ભાગે આવેલ કેરિયરના ભાગેથી રૂપિયા 3,31,250 ની કિંમતનો 33.125 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજાના આ જથ્થા સાથે રિયાઝશાહ ઉંમરશાહ ફકીર (રહે. વોરા કોટડા રોડ, હુડકો ક્વાર્ટર ગોંડલ) તથા ક્લીનર ઝફર ઉર્ફે ભૂરો જીગરભાઈ સોલંકી (રહે. રૈયારોડ, રાજકોટ)ને ઝડપી લઇ ગાંજાનો આ જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા 23,44,690 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પકડાયેલા આ બંને શખસોને પૂછતાછ કરતા ગાંજાનો આ જથ્થો છત્તીસગઢ બોર્ડરને અડીને આવેલા ઓરિસ્સા રાજ્યની હદમાં ગંજામ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી અમન (રહે. ગંજામ) પાસેથી લાવ્યાની અને આ બંને શખસો તથા મોઇન જીકરભાઈ સોલંકી સહિત ત્રણે મળી છૂટકમાં વેચતા હોવાની કબુલાત આપી હતી. જેથી આ અંગે એસએમસી પોલીસ સ્ટેશનમાં ચારેય શખસો વિરુદ્ધ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ.એચ.એ.રિશિન ચલાવી રહ્યા છે.


એસએમસી અઢી માસમાં એનડીપીએસના પાંચ કેસ કર્યા

રાજ્ય પોલીસ વડા દ્વારા ગુજરાતમાં માદક પદાર્થના વેચાણ અને સેવનને અટકાવવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ એસએમસી વડા નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ એસએમસીની ટીમે છેલ્લા અઢી માસ દરમિયાન માદક પદાર્થની હેરફેરના પાંચ કેસ કર્યા છે. આગામી સમયમાં પણ એસએમસી દ્વારા માદક પદાર્થની હેરફેર અટકાવવા માટે કડક કાર્યવાહી યથાવત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application