મોટા થાવરીયા બંગલામાંથી વિદેશી દારૂની 1400 બોટલ સાથે બે ઝડપાયા

  • February 15, 2025 11:41 AM 

દારૂ સહિત 15.64 લાખનો મુદામાલ કબ્જે લેતી એલસીબી : સપ્લાયર સહિત ચારની સંડોવણી: જામનગર શહેરમાં શરાબની 53 બોટલ સાથે વિદ્યાર્થી ઝબ્બે : વિજરખીમાં ચપટા સાથે એકની અટક


જામનગરના મોટા થાવરીયા ગામમાં એક બાતમીના આધારે બંગલામાં રેઇડ પાડીને વિદેશી દારૂની 1400 બોટલ અને વાહન મળી કુલ 15.64 લાખના મુદામાલ સાથે બે શખ્સોને એલસીબીએ પકડી લીધા હતા જેમાં ચારની સંડોવણી ખુલી હતી, ઉપરાંત જામનગરના દિ.પ્લોટ 45 વિસ્તારમાં એક વિધાર્થી શરાબની 53 બોટલ અને બાઇક સાથે પોલીસની ઝપટમાં આવ્યો હતો તેમજ વિજરખીમાં શરાબના ચપટા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.


જામનગર એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારના કેશ શોધી કાઢવા એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટેલીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે સ્ટાફના ક્રિપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ અને ભરતભાઇને સંયુકત બાતમી મળેલ કે તાલુકાના મોટા થાવરીયા ગામે ભવ્ય નગરીમાં આરોપીઓએ વિદેશી દારૂ વેચાણની પ્રવૃતી કરતા હોય જે બાતમીના આધારે દરોડો પાડીને દશરથસિંહ જાડેજાના બંગલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1400 બોટલ કિ. 9.54.056 તથા બે મોબાઇલ, બોલેરો પિકઅપ નં. જીજે-10-ટી-વાય-0703 મળી કુલ 15,64,056 ના મુદામાલ  કબ્જે કર્યો હતો.


દરોડા દરમ્યાન જામનગર પટેલ કોલોની 9 ના છેડે શાંતીનગરમાં રહેતા અને મુળ જામ કંડોરણાના સોળવદરના દારૂ મંગાવનાર મુખ્ય આરોપી દશરથસિંહ ઉર્ફે યોગી ઉર્ફે મયુરઘ્વજ ઘનશ્યામસિંહ જાડેજા અને જામનગરના શરૂ સેકશન રોડ, શિવ એપાર્ટમેન્ટ બ્લોક નં. 5માં રહેતા દિપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્ર સોલંકીને પકડી લીધા હતા.


પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો સપ્લાયર કરનાર ભચાઉના જીગર સોઢા, વેચાણ માટે મંગાવનાર જામનગરના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, અજયસિંહ પરમાર અને દારૂ વેચાણ કરવા મંગાવનાર શાંતીનગરના પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાની સંડોવણી ખુલી હતી જેમની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


આ ઉપરાંત જામનગર એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ અને રૂષીરાજસિંહને મળેલ હકીકત આધારે જામનગર શહેરના દિ.પ્લોટ 45, ઓશવાળ સ્કુલ પાછળ દરોડો પાડીને દિ.પ્લોટ 55માં રહેતા અભ્યાસ કરતા ભાવિક ઉર્ફે છાબો વિનોદ ભદ્રા નામના શખ્સને જયુપીટર બાઇકમાં વિદેશી દારૂની 53 બોટલ અને એક ફોન મળી કુલ 90825ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. પુછપરછ કરતા દારૂનો જથ્થો સપ્લાય કરનાર તરીકે દિ.પ્લોટ 49માં રહેતા પ્રશાંત બાવાજીનું નામ ખુલ્યુ હતું જેને ફરાર જાહેર કરી બંનેની સામે સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.


આ ઉપરાંત જામનગર તાબેના વિજરખી ગામમાં રહેતા મેઘા જીવા વાઘેલા નામના શ્રમિકને ઇંગ્લીશ દારૂના 3 ચપટા સાથે ગામની નદીના કાંઠેથી પંચકોશી પોલીસે પકડી પાડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application