રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના મહિલાઓના ચેકઅપના સીસીટીવી વેચનારા બે આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા, અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા

  • February 19, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓની સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. 


બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાયબર ક્રાઇમ ગુજરાત પહોંચશે.


મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, મહિલાઓના સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં બે આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લામાંથી ધરપકડ કર્યા છે. આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.


સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં
વધુમાં ઉમેર્યું કે, રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુ-ટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા તે તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં.


શું છે સમગ્ર મામલો
ગુજરાતને શર્મસાર કરતી ઘટના હોસ્પિટલોમાં થતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલાઓના ચેકઅપના વીડિયોને યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવી બતાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. સગર્ભાના ચેકઅપના વીડિયો યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલનું સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને રૂપિયા કમાવવાના ગોરખધંધાનો પણ પર્દાફાશ થયો હોવાનું જાણવા મળ્યું છે.  આ હોસ્પિટલના ડોક્ટર અમિત અકબરીએ પણ મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો છે કે, હા આ વીડિયો અમારી હોસ્પિટલના છે. વીડિયો કઈ રીતે વાઇરલ થયા એ અમને ખબર નથી.


અમદાવાદ સાયબર ક્રાઈમે આ વાતને એટલી ગંભીરતાથી લીધી છે કે, સાયબર ક્રાઈમ હવે સરકાર પાસે માગણી મૂકશે કે, હોસ્પિટલો અને જાહેર સ્થળોએ જ્યાં પ્રાઈવસી હોય તેવી જગ્યાઓ માટે સીસીટીવી લગાવવાની અને તેને સેઈફ રાખવાની ચોક્કસ ગાઈડ લાઈન બનાવે.


રાજકોટની હોસ્પિટલના જ સીસીટીવી હોવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો?
સૌથી પહેલાં આ આપત્તિજનક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. એટલે ટૂંકાગાળામાં જ ઘણા બધા લોકો સુધી પહોંચી ગઈ હતી. એક યુવકના ધ્યાને આ વીડિયો આવતાં તેના મનમાં સવાલો ઉઠ્યા હતા અને પોતાના મિત્ર સાગર પટોળિયાને વાઇરલ વીડિયો વિશે જાણ કરી હતી. સાગરે આ વીડિયો ક્યાંનો છે, કોણે અપલોડ કર્યા હોય શકે એ બાબતે તપાસ કરી પરંતુ કાંઈ ખાસ સફળતા ન મળી. આખરે સાગર પટોળિયાએ અમદાવાદ સાયબર ક્રાઇમને એક્સ (ટ્વીટર) પર ટેગ કરીને વાઇરલ વીડિયો બાબતે તપાસ કરવા ધ્યાન દોર્યું હતું.


​​​​​​​આ રીતે પાયલ હોસ્પિટલ રડારમાં આવી
જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ આ ઘટના આવી તો તેમણે વીડિયોનું પ્રાથમિક તબક્કે એનાલિસિસ કર્યું. એ દરમિયાન અમુક મુદ્દા ધ્યાને આવ્યા. જેમ કે વાઇરલ સીસીટીવી ફૂટેજમાં લોકો ગુજરાતી બોલતા હતા. એટલે સાયબર ક્રાઇમને આ ઘટનાની ગંભીરતા તેમજ સંવેદનશીલતાનો અંદાજો આવી ગયો. તેમણે તરત જ ફરિયાદ નોંધીને સત્તાવાર રીતે તપાસ શરૂ કરી દીધી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે તમામ સીસીટીવી મેળવીને ડિટેલ્ડ એનાલિસિસ શરૂ કર્યું, તેમાં નોંધ્યું કે આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા દર્દી અને હોસ્પિટલ સ્ટાફ સૌરાષ્ટ્રના લહેકામાં ગુજરાતી ભાષા બોલી રહ્યા છે. એટલું જ નહીં, વીડિયોમાં ‘ડૉક્ટર સાહેબ અમિત’ તેમજ કેટલીક નર્સના નામ પણ સંભળાયા. જેથી ડૉક્ટર અમિત સૌરાષ્ટ્રની કઈ હોસ્પિટલમાં સેવા આપે છે એ શોધખોળ અમદાવાદ સાયબર ક્રાઇમે શરૂ કરી. આ રીતે પાયલ હોસ્પિટલ રડારમાં આવી.


સીસીટીવી ફૂટેજમાં ઘણી વસ્તુ મળતી આવતી હતી
રાજકોટની પાયલ હોસ્પિટલે પોતાના સારા કામના પ્રમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. જે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમના ધ્યાને આવી ગયા. કારણ કે પાયલ હોસ્પિટલના પ્રમોશનલ વીડિયો અને વાઇરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં ઘણી વસ્તુ મળતી આવતી હતી. એટલે અમદાવાદ સાયબર ક્રાઈમે રાજકોટની સ્થાનિક પોલીસની મદદની કેટલાક મુદ્દાની ખરાઈ કરાવી. આમ, અંતે ખબર પડી ગઈ કે મહિલાઓના આપત્તીજનક સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા છે એ રાજકોટની પાયલ હોસ્પિટલના જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application