BREAKING NEWS

કેટનું પરિણામ જાહેરઃ બે ગુજરાતી વિદ્યાર્થી દેશમાં ટોપ-12માં ઝળક્યાં, અમદાવાદના 50થી વધુને 99થી વધુ પર્સેન્ટાઈલ

  • December 25, 2025 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં આઈઆઈએમ અને ઉચ્ચ બિઝનેસ સ્કૂલોમાં એડમિશન માટે કોમન એડમિશન ટેસ્ટ (કેટ) લેવામાં આવે છે. જેમાં પાસ થનારા વિદ્યાર્થીઓ આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકે છે. આજે કેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પહેલીવાર ગુજરાતના બે વિદ્યાર્થીએ પૂરા 100 પર્સેન્ટાઈલ સાથે દેશના ટોપ-12 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે.


ગુજરાતના એક વિદ્યાર્થીને 99.99 અને બે વિદ્યાર્થીને 99.98 પર્સેન્ટાઈલ આવ્યા છે. જ્યારે અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 99થી વધુ પર્સેન્ટાઈલ છે. આ વર્ષે કેટનું પેપર એકંદરે ખૂબ જ અઘરૂ કહી શકાય તેવું હતું પરંતુ છતાં પણ ગુજરાતમાંથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ઝળક્યાં છે.


મળતી માહિતી મુજબ, દર વર્ષે જુદી જુદી આઈઆઈએમ દ્વારા કેટનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આઈઆઈએમ કોઝિકોડ દ્વારા દેશભરના 170 શહેરોના 339 કેન્દ્રોમાં ગત 30 નવેમ્બરે  કેટ પરીક્ષા લેવામા આવી હતી. આ વર્ષે કેટમાં રજિસ્ટર્ડ થનારા વિદ્યાર્થીઓ-ઉમેદવારોની સંખ્યા દસ ટકાથી વધુ ઘટતા 2.95 લાખથી ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 2.58 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 


કેટ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી 12 વિદ્યાર્થીએ પુરા 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ગત વર્ષે 14 વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. પુરા 100 પર્સેન્ટાઈલ મેળવનારા 12 વિદ્યાર્થીઓમાં આ વર્ષે પ્રથમવાર ગુજરાતના બે વિદ્યાર્થીઓ છે. જ્યારે સૌથી વઘુ ત્રણ વિદ્યાર્થી દિલ્હીના છે. ગુજરાતમાંથી ગત વર્ષે એક પણ વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા ન હતા.


કેટ નોડલ સંસ્થા દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 12 વિદ્યાર્થીઓમાં બે યુવતીઓ અને બે યુવકો છે. જ્યારે 99.99 પર્સેન્ટાઈલ મેળવનારા દેશભરમાં 26 વિદ્યાર્થીઓ છે. જેમાં ગુજરાતનો એક વિદ્યાર્થી છે. 26 વિદ્યાર્થીઓમાં ચાર યુવતી અને 22 યુવકો છે. સૌથી વઘુ પાંચ વિદ્યાર્થીઓ હરિયાણાના છે. આ ઉપરાંત 99.98 પર્સેન્ટાઈલ મેળવનારા દેશભરમાંથી 26 વિદ્યાર્થીઓ છે. જેમાં પાંચ યુવતીઓ અને 21 યુવકો છે. આ વિદ્યાર્થીઓમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે અને સૌથી વઘુ સાત વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના છે. આ વર્ષે નોધાયેલા કુલ 2.95 લાખ કેટ રજિસ્ટર્ડ સ્ટુડન્ટસમાં 1.10 લાખ યુવતીઓ અને 1.85 લાખ યુવકો છે, જ્યારે નવ ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં છે.


નોંધાયેલા 2.95 લાખ વિદ્યાર્થીઓમાંથી 2.58 લાખ ઉમેદવારે કેટ આપી હતી અને જેમાં 97 હજાર યુવતીઓ તેમજ 1.61 લાખ યુવકો તેમજ 9 ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે. કુલ 2.58 લાખ ઉમેદવારોમાં જનરલ કેટેગરીમાં 65.32 ટકા, ઈડબલ્યુએસમાં 5.59 ટકા, ઓબીસીમાં 18.52 ટકા, એસસીમાં 8.35 ટકા અને એસટી કેટેગરીમાં 2.22 ટકા તેમજ પીડબલ્યુ કેટેગરીમાં 0.47 ટકા ઉમેદવારો છે. અમદાવાદની વિદ્યાર્થિની પ્રશંસા શાહે 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને જે ફીમેલ ટોપર છે. જ્યારે પીડબલ્યુ કેટેગરીના વિદ્યાર્થીને 99.28 પર્સેન્ટાઈલ આવ્યા છે.


કેટના પરિણામ મુજબ આ વર્ષે ટોપર્સ એટલે કે 99.98, 99.99 અને 100 પર્સેન્ટાઈલ મેળવનારા ટોપર્સ વિદ્યાર્થીઓમાં ઈજનેરી સિવાયના વિદ્યાર્થીઓ વધારે છે. નોન એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થી કેટના ટોપર્સમાં વધારે છે ત્યારે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા ઘટ્યા છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારામાં ત્રણ એન્જિનિયરિંગના નવ નોન એન્જિનિયરિંગ તેમજ 99.99 પર્સેન્ટાઈલ મેળવનારામાં 12 એન્જિનિયરિંગના અને 14 નોન એન્જિનિયરિંગ તથા 99.98 પર્સેન્ટાઈલ મેળવનારામાં આઠ એન્જિનિયરિંગના 18 નોન એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application