ખંભાળિયામાં સગીરાના અપહરણ તથા દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સખત કેદ

  • October 23, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. 17,000 નો દંડ ફટકારતી ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ




ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા એક પરિવારની સગીરાનું અપહરણ કરી, તેની પર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપીને વીસ વર્ષની સખત તથા 17,000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.



આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતો હરદાસ કારાભાઈ ચાવડા નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને તેણીના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.



આ પછી પોલીસે ભોગ બનનારનો પતો મેળવી અને તેની પાસેથી જાણી વિગત મુજબ આ પ્રકરણમાં હરદાસ કારાભાઈ ચાવડા નામના શખ્સએ હિતેશ ઉર્ફે નીતિન પબાભાઈ ચાવડા અને દિપક કરસનભાઈ કારેથાની મદદ મેળવી અને તેણીનું બોલેરો વાહનમાં અપહરણ કરીને લઈ ગયા બાદ આરોપી હરદાસે અવારનવાર સગીરા સાથે શારીરિક સંભોગ કરવા સબબ ખંભાળિયા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ગત તારીખ 5-12-2019 ના રોજ આઈપીસી કલમ 363, 366, 376, 114 તથા પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. પી.એ. દેકાવાડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.



આ પ્રકરણમાં મેડિકલ તપાસણી તેમજ લગત પુરાવાઓ અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી, ચાર્જશીટ કરાયા બાદ આ અંગેનો કેસ અહીંના જજ શ્રી પી.વી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીને જુદી જુદી કલમમાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.



આ સાથે સગીરાના માનસિક, સામાજિક અને આર્થિક પુનર્વસન માટે તેણીને રૂ. ત્રણ લાખનું વિક્ટિમ કમ્પનસેશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application