રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેર-અડદ દાળના ભાવમાં કડાકો

  • June 05, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તુવેર દાળ અને અડદ દાળના સતત વધતા જતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ લાગુ કર્યાના ફક્ત બે જ દિવસમાં તેની અસર જોવા મળી છે.આજે સોમવારે સવારે ખુલતી બજારે થયેલી હરરાજીમાં તુવેર દાળમાં ૪૦૦ દાગીનાની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૦૦ સુધી રહ્યો હતો, જ્યારે અડદમાં ૭૦૦ દાગીનાની આવક સામે ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૫૦ રહ્યો હતો. હવે આગામી દિવસોમાં દાણાપીઠ બજાર તેમજ રિટેલર્સને ત્યાં પણ ભાવ ધટાડો જોવા મળશે.


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અડદ અને તુવેર દાળના ભાવમાં થયેલા વધારા અને હાલની પરિસ્થિતિ જોતા સંગ્રહખોરી ન સર્જાય કે અસાધારણ ભાવવધારો ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટોક લીમીટ લાગુ કરાઇ છે. દાળના સતત વધતા જતા ભાવ અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ દાળના ભાવમાં વધારો થવાની ધારણાએ કેન્દ્ર સરકારે તુવેર અને અડદ દાળ પર સ્ટોક લીમીટ લાગુ કરી દીધી છે.
​​​​​​​
સૂત્રોએ ઉમેર્યું હતું કે મીલરથી લઇ ડિસ્ટ્રીબ્યુટર, આયાતકાર તેમજ રિટેલર તેમજ સપ્લાય ચેઈન સાથે સંકળાયેલા તમામે પોતાનો સ્ટોક જાહેર કરવાનો રહેશે અને તે સરકારે નિશ્ચિત કરેલ એક પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે અને જો મર્યાદાથી વધુ સ્ટોક હોય તો તેનો આગામી ૩૦ દિવસમાં નિકાલ કરવાનો રહેશે. સ્ટોક લિમિટ આગામી તા.૩૧ ઓકટોબર સુધી અમલી રહેશે. સ્ટોક લિમિટ જેમાં દરેક દાળ એટલે કે અડદ અને તુવેર દરેકમાં હોલસેલર માટે ૨૦૦ મેટ્રીક ટન અને રિટેલર માટે પાંચ મેટ્રીક ટન અને દરેક રિટેલ આઉટલેટ માટે ૨૦૦ મેટ્રીક ટનની લીમીટ લાદવામાં આવી છે. જેમાં રિટેઈલ ચેનના ડેપોનો પણ સમાવેશ થઈ જાય છે જયારે મિલર માટે છેલ્લા ત્રણ માસના ઉત્પાદન અથવા તો તેની વાર્ષિક ઈન્સ્ટોલ કેપેસીટીના ૨૫ ટકાની સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે બન્નેમાંથી જે વધુ હશે તે અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application