અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમનો બીજો કાર્યકાળ મુશ્કેલીથી ભરેલો સાબિત થઈ રહ્યો છે. જ્યારે તેમણે રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત શપથ લીધા હતા, ત્યારે તેમની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. પરંતુ માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ તેમની રાજકીય કારકિર્દીનો ગ્રાફ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ટ્રમ્પનો લોકપ્રિયતાનો ગ્રાફ જો બાઇડનના કરતા પણ નીચે સરકી ગયો છે.
ટ્રમ્પ સરકાર દ્વારા લેવાયેલા એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયોને અમેરિકાની અદાલતો સતત ફગાવી રહી છે, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું છે કે ફેડરલ જજો તેમના માટે જાણીજોઈને મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.
તાજેતરના એક સર્વે અનુસાર, ૭૦ ટકા અમેરિકન નાગરિકો રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોંઘવારી સામે લડવાની પદ્ધતિઓથી અત્યંત અસંતુષ્ટ છે. ખાસ કરીને ઈરાન સાથેના તણાવ (યુદ્ધ જેવી સ્થિતિ) અને તેના કારણે દેશમાં વધેલી અસહ્ય મોંઘવારીને લીધે જનતામાં ભારે રોષ છે. આ અપ્રુવલ રેટિંગના સર્વેમાં જનતાએ ટ્રમ્પને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન કરતાં પણ વધુ નાપસંદ કર્યા છે. માત્ર ૩૫ ટકા લોકો જ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની કામગીરીને યોગ્ય માને છે, જ્યારે ૫૯ ટકા લોકોનું માનવું છે કે આગામી વર્ષે ગેસ (ઇંધણ) ની કિંમતોમાં હજુ પણ વધુ વધારો થશે.
અમેરિકાની સર્વોચ્ચ અદાલત અને વિવિધ ફેડરલ કોર્ટોએ ટ્રમ્પના પાંચ મહત્વકાંક્ષી અને કડક નિર્ણયોને ગેરકાનૂની ગણાવી રદ કરી દીધા છે. જેમાં દુનિયાભરના દેશો પર લાદવામાં આવેલા ઇમરજન્સી ટેરિફને યુએસ સુપ્રીમ કોર્ટે ૬-૩ ની બહુમતીથી રદ કર્યો છે, શહેરોમાં વિરોધ પ્રદર્શનો રોકવા માટે નેશનલ ગાર્ડ તૈનાત કરવાના નિર્ણયને જિલ્લા અદાલતે ટ્રમ્પના અધિકારક્ષેત્ર બહારનો ગણાવી ગેરકાનૂની જાહેર કર્યો છે, ફેડરલ જજે પાસપોર્ટમાં જેન્ડર (લિંગ) પોલિસી સંબંધિત ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સ્ટે મૂકી દીધો છે, હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન ફંડમાં ઘટાડો કરવાના સરકારી નિર્ણયને પણ કોર્ટે ફગાવી દીધો છે અને એચ-વનબી વિઝા માટે એક લાખ ડોલરની મોંઘી ફી વસૂલવાના નિર્ણયને બોસ્ટનની ફેડરલ કોર્ટે રદ કર્યો છે.
કોર્ટના આ નિર્ણયોથી અમેરિકામાં નોકરી કરવાની ઈચ્છા રાખતા ભારત સહિત વિશ્વના અન્ય દેશોના વ્યાવસાયિકોને બહુ મોટી રાહત મળી છે. સામાન્ય રીતે એચ-વનબી વિઝા મેળવનારાઓમાં ૭૦ થી ૭૨ ટકા હિસ્સો ભારતીયોનો હોય છે. ટેક કંપનીઓ માટે કર્મચારી દીઠ એક લાખ ડૉલરની વધારાની ફી ચૂકવવી ખૂબ જ મોંઘી સાબિત થઈ રહી હતી, જેના કારણે ભારતીયોની નોકરીઓ પર જોખમ હતું. હવે કોર્ટે આ ફી નાબૂદ કરતાં ભારતીય આઇટી એન્જિનિયરો, ડૉક્ટરો અને સંશોધકો (રિસર્ચર્સ) માટે અમેરિકામાં રોજગારીના માર્ગો ફરી સરળ બન્યા છે.