અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પ્રત્યેના પોતાના વિવાદાસ્પદ વલણમાં મોટો ફેરફાર કર્યો છે. બાયોગ્રાફર રોબર્ટ હાર્ડમેન સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કેનેડા પર કોઈ લશ્કરી કાર્યવાહી કરશે નહીં કે તેને અમેરિકામાં ભેળવવાની યોજના પર આગળ વધશે નહીં. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે કેનેડાનો 200 વર્ષ જૂનો ઇતિહાસ અને તેની સ્વાયત્તતા એટલી મજબૂત છે કે તેને થોડા વર્ષોમાં બદલી શકાય તેમ નથી.
કેનેડાને 51મું રાજ્ય બનાવવાની યોજના પડતી મુકાઈ
છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ દાવો કરી રહ્યા હતા કે કેનેડાએ અમેરિકાનો ભાગ બની જવું જોઈએ, જેનાથી ત્યાંના લોકોને ઓછા ટેક્સ અને વધુ સારી સુરક્ષાનો લાભ મળે. તેમણે ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડો પર પણ અનેકવાર નિશાન સાધ્યું હતું અને એક એવી AI તસવીર શેર કરી હતી જેમાં કેનેડા પર અમેરિકી ધ્વજ લહેરાતો હતો. જોકે, હવે ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ યોજના વ્યવહારિક રીતે શક્ય નથી.
બ્રિટિશ રાજવી પરિવારની મધ્યસ્થી અને ટ્રમ્પના બદલાયેલા બોલ
બ્રિટનના કિંગ ચાર્લ્સ III એ તાજેતરમાં કેનેડાની મુલાકાત લીધી હતી અને ત્યાંની સંસદમાં કેનેડાને એક સ્વતંત્ર અને મજબૂત દેશ ગણાવ્યો હતો. આ મુલાકાત બાદ ટ્રમ્પના વલણમાં નરમાશ જોવા મળી છે. મહત્વનું છે કે ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કિંગ ચાર્લ્સને એક 'સારા માણસ' ગણાવ્યા હતા અને તેમની કેન્સર સામે લડવાની હિંમતની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કેનેડાના લોકો હજુ પણ બ્રિટનના રાજાને પોતાના સત્તાવાર વડા માને છે.
કિંગ ચાર્લ્સની અમેરિકા મુલાકાત અને સંબંધોમાં સુધારો
રિપોર્ટ મુજબ આ મહિનાના અંતમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન અમેરિકાની મુલાકાતે જશે અને વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં ભાગ લેશે. ઈરાન યુદ્ધમાં બ્રિટને અમેરિકાને મદદ કરવાનો ઇનકાર કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો હતો. ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરની નીતિઓની ટીકા પણ કરી હતી. હવે આ મુલાકાતથી અમેરિકા અને બ્રિટન વચ્ચેના તૂટેલા સંબંધો ફરી સાંધવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું મનાય છે.