અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ઈરાન માટે સમય સમાપ્ત થઈ રહ્યો છે. ઈરાન જલ્દી નિર્ણય લે નહીંતર કાંઈ બચશે નહીં. તેમના માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પને હવે યુદ્ધનું શૂરાતન ચડ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાન મુદ્દા પર અપેક્ષિત સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેતા ટ્રમ્પ ચીનથી શરમજનક રીતે પાછા ફર્યા હતા. હવે, તેઓ ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી રહ્યા છે. અહેવાલો અનુસાર, પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધો અને પ્રાદેશિક સંઘર્ષોને લઈને બંને દેશો વચ્ચેની વાટાઘાટો હજુ પણ અટકેલી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી વડા પ્રધાન સાથે વાત કર્યા પછી આ ટિપ્પણી કરી હતી. એવું માનવામાં આવે છે કે અમેરિકા ઈરાન પર દબાણ વધારવાની રણનીતિ અપનાવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેની ફોન વાતચીત બાદ, નેતન્યાહૂએ તેમના નજીકના મંત્રીઓ સાથે સુરક્ષા બેઠક પણ યોજી હતી. હકીકતમાં, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ અટકાવવા માટે વાતચીત ચાલી રહી છે. જોકે, અમેરિકા ઈરાન દ્વારા નક્કી કરાયેલી શરતો સ્વીકારવા તૈયાર નથી. ખાસ કરીને, અમેરિકા આગ્રહ રાખે છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડી દે અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિકને સામાન્ય બનાવે.
ઈરાને કહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેનો સંઘર્ષ સમાપ્ત થયા પછી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિક ફરી શરૂ થશે. પરંતુ બંને પક્ષો હજુ પણ તેમના મતભેદોને ઉકેલવા અથવા તેમ કરવાનો કોઈ રસ્તો શોધવાની નજીક પહોંચ્યા નથી. સ્વાભાવિક રીતે, વર્તમાન અસુરક્ષાની પરિસ્થિતિ સમાપ્ત થયા પછી, હોર્મુઝમાં શિપિંગની સ્થિતિ સામાન્ય થઈ જશે, ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી, મેહરે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને ટાંકીને જણાવ્યું હતું.
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. અમેરિકા અને ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની અને અનેક લશ્કરી કમાન્ડરો માર્યા ગયા હતા. આ પછી યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ઈરાને ખાડી દેશોમાં અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આઠ એપ્રીલે જ્યારે લડતા પક્ષો પાકિસ્તાનની મધ્યસ્થીથી યુદ્ધવિરામ માટે સંમત થયા ત્યારે હુમલાઓ બંધ કરવામાં આવ્યા હતા.
અમેરિકાએ ઈરાનના પ્રસ્તાવ પર પાંચ કડક શરતો મૂકી
અમેરિકાએ ઈરાનના પ્રસ્તાવ પર પાંચ કડક શરતો મૂકી છે જેમાં પહેલી અમેરિકાએ ઈરાનને કોઈપણ વળતર કે યુદ્ધ વળતર ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, બીજી ઈરાને તેની પાસે રહેલું ૪૦૦ કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ અમેરિકાને ટ્રાન્સફર કરવું પડશે, ત્રીજી ઈરાનને તેના દેશમાં ફક્ત એક જ પરમાણુ પ્લાન્ટ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે, ચોથી વોશિંગ્ટને વિદેશમાં સ્થિર સંપત્તિઓ અને ભંડોળ મુક્ત કરવાની ઇરાનની માંગને નકારી કાઢી છે અને પાંચમી શરતમાં બંને પક્ષો વચ્ચે ઔપચારિક વાટાઘાટો શરૂ થયા પછી જ વિવિધ મોરચે યુદ્ધવિરામ લંબાવવામાં આવશે.