ઐતિહાસિક ક્રિકેટ બંગલામાં સ્વ. સલીમ દુરાનીને શ્રઘ્ધાંજલિ: રીવાબાની હાજરી

  • April 07, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારાસભ્ય ઉપરાંત ક્રિકેટરો, ડિસ્ટ્રીકટ એસો.ના હોદેદારો સહિતના અગ્રણીઓની શોક સભામાં હાજરી: સલીમ દુરાનીના નામે ટ્રોફી શરુ કરવી જોઇએ: અજય સ્વાદીયા

વિશ્ર્વના મહાન ક્રિકેટ લેજન્ડરી સલીમ દુરાનીનું તાજેતરમાં નિધન થતાં તેમને શ્રઘ્ધાંજલી આપવા માટે ગઇકાલે સાંજે ક્રિકેટ બંગલા ખાતે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમની યાદ તાજી કરવામાં આવી હતી, જામનગરના વતની અને લોકપ્રિય ક્રિકેટર સલીમભાઇની ક્રિકેટ જગતને ખોટ પડશે અને તેમના નામે એક ટ્રોફી પણ શરુ થવી જોઇએ તેવું શ્રઘ્ધાંજલી સભામાં વકતાઓએ કહ્યું હતું.
ગઇકાલે સાંજે યોજાયેલી શ્રઘ્ધાંજલી સભામાં રણજી ટ્રોફી ખેલાડીઓ, રાજકીય અગ્રણીઓ, સલીમ દુરાનીના મિત્રો નવોદીત ક્રિકેટરો, ધારાસભ્યો રિવાબા જાડેજા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિમાંશુ શાહ, ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજય સ્વાદીયા, ઉપપ્રમુખ વિનુભાઇ ધ્રુવ, સેક્રેટરી ચંદ્રશેખર બક્ષી, સલીમભાઇના ભાઇ જહાંગીરભાઇ દુરાની, ભત્રીજા શાજીદભાઇ દુરાની, અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, સલીમભાઇના ખાસ મીત્ર વામનભાઇ જાની, પૂર્વ કોર્પોરેટર પ્રવિણ માડમ, મહેમુદભાઇ વહેવારીયા, નિલેશભાઇ ઉદાણી, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
હાજર રહેલા વકતાઓએ સલીમભાઇ દુરાનીના સંસ્મરણો વાગડીને જણાવ્યું હતું કે, તેઓ મહાન ક્રિકેટર હતાં અને એક સારા ડાબોડી ઓલરાઉન્ડર હતાં, પ્રેક્ષક જે દિશામાં અવાજ કરીને સિકસર લગાવોના નારા બોલાવે તે દિશામાં તેઓ સિકસર ફટકારતા હતાં, તે તેઓની ખાસીયત હતી, તેમની વિદાયથી જામનગર જ નહીં સમગ્ર વિશ્ર્વમાં પ્રખ્યાત એવા ઓલરાઉન્ડર આપણે ગુમાવ્યા છે અને તેમની બેટીંગ અને બોલીંગ ક્રિકેટરોને યાદ રહેશે. જામનગરમાં અનેક વખત તેઓ ક્રિકેટ બંગલામાં આવીને ખેલાડીઓને પ્રોત્સાહીત કરતા હતાં.
જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઇ સ્વાદીયાએ શ્રઘ્ધાંજલી આપતા કહ્યું હતું કે, સલીમભાઇ દુરાની જામનગર માટે એક ઘરેણું કહી શકાય, કમસે કમ સૌરાષ્ટ્ર ક્રિકેટમાં સલીમભાઇ દુરાનીના નામની એક ટ્રોફી શરુ થવી જોઇએ તેવી સૌની લાગણી છે. અત્રે એ યાદ આપવું જરુરી છે કે, સલીમ દુરાનીનું જામનગરમાં નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવીટ કરીને શ્રઘ્ધાંજલી આપી હતી અને આઇપીએલ મેચ શરુ થાય તે પહેલા દિગ્ગજ ક્રિકેટરોએ તેમને શ્રઘ્ધાંજલી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application