વિશ્વમાં જ્યારે પરંપરાગત ઇંધણ ખૂટી રહ્યું છે અને ગ્રીન એનર્જી તરફ આખી દુનિયા વળી રહી છે, ત્યારે પ્રશાંત મહાસાગરના પેટાળમાંથી એક એવો અદભુત ખજાનો મળી આવ્યો છે જે આગામી સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) ક્રાંતિનો આખો નકશો બદલી શકે છે. પ્રશાંત મહાસાગરની સપાટીથી આશરે ચાર કિલોમીટર નીચે દરિયાના તળિયે અબજોની સંખ્યામાં કાળા, ઉબડ-ખાબડ અને સફરજનના આકાર જેવા પથ્થરો પથરાયેલા છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પથ્થરોને 'પોલીમેટાલિક નોડ્યુલ્સ' કહેવામાં આવે છે, જેણે હાલ સમગ્ર વિશ્વના ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.
મહત્વની વાત એ છે કે આ અનોખા પથ્થરો જે ક્ષેત્રમાં ફેલાયેલા છે, તે વિસ્તાર અમેરિકી મહાદ્વીપ (અમેરિકા ખંડ) જેવડો વિશાળ છે. આ દરિયાઈ વિસ્તારને 'ક્લેરિયન-ક્લિપરટન ઝોન' તરીકે ઓળખવામાં આવે છે. હવાઈ અને મેક્સિકોની વચ્ચે આવેલો આ આખો વિસ્તાર આશરે 60 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું એક વિશાળ દરિયાઈ મેદાન છે. આ મેદાનની સરેરાશ ઊંડાઈ લગભગ 5,000 મીટર એટલે કે પાંચ કિલોમીટર જેટલી છે અને આ આખા પટમાં કરોડો ટન કિંમતી ધાતુઓ પથ્થર સ્વરૂપે વેરાયેલી પડી છે.
આ પથ્થરો (નોડ્યુલ્સ)ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં આધુનિક બેટરી ઉદ્યોગ માટે સૌથી જરૂરી એવી ચાર મુખ્ય ધાતુઓ પ્રચૂર માત્રામાં હાજર છે. સંશોધકોના મતે, આ પથ્થરોમાં મેંગેનીઝ (આશરે 25-30 ટકા), નિકલ (1-2 ટકા), તાંબુ (1-2 ટકા) અને કોબાલ્ટ (0.2-0.3 ટકા) રહેલું છે. આ પથ્થરોમાં કોબાલ્ટ અને મેંગેનીઝનો એટલો મોટો જથ્થો છે, જે પૃથ્વીની સપાટી પર અત્યાર સુધી શોધાયેલા તમામ જમીની ભંડારો કરતાં પણ ઘણો વધારે માનવામાં આવે છે. આ ધાતુઓનો ઉપયોગ ઇલેક્ટ્રિક ગાડીઓમાં વપરાતી લિથિયમ-આયન બેટરી બનાવવા માટે અનિવાર્ય છે. હાલમાં આ ધાતુઓનો પુરવઠો જમીન પર ખૂબ જ મર્યાદિત હોવાથી દરિયાઈ ખનનની જરૂરિયાત ઊભી થઈ છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ પોલીમેટાલિક નોડ્યુલ્સ બનવાની પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે. દર દસ લાખ વર્ષમાં આ પથ્થરો માત્ર થોડા મિલીમીટર જેટલા જ વધે છે. આમાંના ઘણા પથ્થરો તો એવા સમયથી દરિયાના તળિયે બનવાના શરૂ થયા છે, જ્યારે પૃથ્વી પર માનવ પ્રજાતિનું કોઈ અસ્તિત્વ પણ નહોતું.
એક તરફ જ્યાં આ ખજાનો ઊર્જા પરિવર્તન માટે વરદાન સાબિત થઈ શકે તેમ છે, તો બીજી તરફ પર્યાવરણવાદીઓએ આ પથ્થરોને બહાર કાઢવા સામે ભારે ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ 2025માં પ્રકાશિત થયેલા એક મહત્વપૂર્ણ અભ્યાસ અનુસાર, આ નોડ્યુલ્સ દરિયાઈ જીવો માટે કુદરતી ઘરનું કામ કરે છે. ઊંડા દરિયામાં રહેતા અનેક સૂક્ષ્મ અને અજાણ્યા જીવો આ પથ્થરોને આસરો બનાવીને જીવે છે. જો મોટા પાયે મશીનો દ્વારા આ પથ્થરોને સમુદ્રમાંથી હટાવી લેવામાં આવશે, તો દરિયાઈ જીવોના જીવવાનો આધાર જ છીનવાઈ જશે અને મહાસાગરોની સંતુલિત ઇકોસિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ જવાનું મોટું જોખમ ઊભું થઈ શકે છે.