જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે રાત્રે કાલાવડ પંથકમાં ઈંગ્લીશ દારૂ અંગે દરોડો પાડયો હતો, અને ૨૩૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા સાથે વાડી વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લીધો છે. જેમાં મુળીલાના શખ્સનું નામ ખુલ્યુ હતું, ઉપરાંત હાપા યાર્ડ રોડ પરથી સેન્ટ્રોસ ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની ૧૬૮ બોટલ મળી આવતા કબ્જે લેવાઇ હતી જયારે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધી શોધખોળ આદરી છે, ઉપરાંત નુરી ચોકડી પાસેથી એક શખ્સને શરાબના બે ચપટા સાથે દબોચી લેવાયો હતો.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ લગારીયા, પીએસઆઇ કાંટેલીયા, પીએસઆઇ ભાટીયાના માર્ગદર્શન હેઠળ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, દરમ્યાન સ્ટાફના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહને બાતમી મળી હતી, કે કાલાવડમાં ખોડીયારપરા વિસ્તારમાં રહેતો કેતન ઉર્ફે પીપીઓ વાલજીભાઈ વૈષ્ણવ નામનો શખ્સ વાડી વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને કેતન વૈષ્ણવને ૫૯,૦૦૦ ની કિંમતની ૨૩૬ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે ઝડપી લીધો છે. તેની પાસેથી ૫૦૦ની કિંમતનો ૧ મોબાઇલ મળી આવ્યો હતો.
પોલીસની વધુ પૂછપરછ દરમિયાન તેને ઉપરોકત દારૂનો જથ્થો કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. બંનેની સામે ટાઉન પોલીસમાં પ્રોહીબીશન મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામનગર સીટી-એ પીઆઇ ચાવડાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હાપા માર્કેટ યાર્ડ રોડ, રાધીકા સ્કુલ તરફના રોડ પર ક્રિયા સેલ્ટોસ ગાડી નં. જીજે૩એમએચ-૪૫૯૦માં ઇંગ્લીશ દારૂની હેરાફેરી થાય છે જે બાતમીના આધારે દરોડો પાડીને શરાબની ૧૬૮ બોટલ કિ. ૮૪ હજાર, તથા ૧૦ લરાખની કિંમતની કાર કબ્જે કરી હતી, આરોપી અજાણ્યો શખ્સ નાશી ગયો હતો આથી આશરે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા ઇસમ સામે સીટી-એમાં ગુનો દાખલ કરી શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
અન્ય દરોડામાં જામનગર તાલુકાના ધુતારપર ગામ રામનગર ચોકડી પાસે રહેતા સુનિલ વિનોદ પરમાર નામના ઇસમને શરાબના બે ચપટા લઇને નુરી ચોકડી રોડ પરથી નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.