રાજકોટના રાજમાર્ગો પર ટ્રાફિક સમસ્યાનું ‘રાજ’, કટારીયા ચોકડી, માધાપર ચોકડીએ ટ્રાફિક માથાના દુખાવા સમાન

  • March 26, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં હાલના સમયમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે. શાળા છુટવાના અને સાંજના સમયે તો રીતસર ટ્રાફિક ટેરરની અનુભૂતિ થાય છે. આ સમસ્યા થોડા દિવસોથી કે મહિનાઓથી નથી પણ લાંબા સમયથી છે. તેમ છતાં આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કોઇ સૂચારૂ આયોજન જ ન હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.


રાજકોટમાં દરેક મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર છેલ્લા ઘણા સયમથી ટ્રાફિકની સમસ્યનો લોકો અનુભવ કરી રહ્યા છે. અહીં ટ્રાફિક નિયમન કરાવનાર ટ્રાફિકશાખાનો સ્ટાફ હોય કે વોર્ડન હોય તે ટ્રાફિક નિયંત્રણ કરવાના બદલે મોબાઇલ જોવામાં કે અન્ય પ્રવૃત્તિમાં વધુ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદ વખતો વખત ઉઠતી રહી છે. શહરેના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી, જામનગર રોડ પર માધાપર ચોકડી સહિતના સ્થળોએ રોજ સાંજના ટ્રાફિકજામના લીધે વાહનોની કતારો લાગવી સામાન્ય બની જવા પામ્યું છે.


શહેરમાં જ્યારે કોઇ રાજકીય કે અન્ય ક્ષેત્રના મહાનુભવો આવતા હોય ત્યારે વીવીઆઇપી મુમેન્ટ સમયે રસ્તા અણધણ રીતે બ્લોક કરી દેવામાં આવે છે. લોકોને આવા સમયે ભારે યાતના ભોગવવી પડે છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા હદ વટાવી રહી છે. વાહનોની કતારો લાગ્યાના વીડિયો સોશિયલ મીડિયા પર વહેતા થવા લાગે છતા ટ્રાફિક કલીયર કરાવવા કોઇ તસ્દી લેતું નથી તેવા પણ દાખલા છે. 

શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે કોઇ એક્શન પ્લાન જ ન હોય તેવું જણાઇ રહ્યું છે. એક તરફ શહેરમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ રોડ જેમના તેમ છે તેમાં પણ રોડ પર એક વાર ખાડો ખોદયા બાદ તેને બુરવામાં પણ દિવસો લાગી જતા હોય છે. આ સ્થિતિમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા વધુ વકરી રહી છે. હવે આ બાબતે લોકપ્રતિનિધિઓએ પણ અંગત રસ દાખવી શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા જરૂરી સૂચન અને રજુઆત કરવી જરૂરી બની જવા પામ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application