શુક્રવારે અમેરિકન શેરબજારમાં આવેલા તોફાનની અસર અમેરિકન અબજોપતિઓની નેટવર્થ પર પડી. એક જ ઝટકામાં, ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ સહિત વિશ્વના ટોચના 10 અબજોપતિઓએ લગભગ 70 બિલિયન ડોલર ગુમાવ્યા. આ અબજોપતિઓમાંથી નવ અમેરિકન છે. ઈલોન મસ્કને સૌથી મોટો ફટકો પડ્યો. ટેસ્લાના શેરમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો, જેના કારણે તેમની સંપત્તિમાં એક જ દિવસમાં 15.8 બિલિયન ડોલરનો ઘટાડો થયો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિ હવે 437 બિલિયન ડોલર થઈ ગઈ છે.
ટોચના 20 અબજોપતિઓમાં, શુક્રવારે ફક્ત અદાણી અને અંબાણીની સંપત્તિમાં વધારો જોવા મળ્યો. અદાણીની સંપત્તિ 630 મિલિયન ડોલરથી વધીને 88.8 બિલિયન ડોલર થઈ, જ્યારે અંબાણીની કુલ સંપત્તિ હવે 97.5 બિલિયન ડોલર થઈ ગઈ છે.
જેફ બેઝોસની સંપત્તિમાં ૧૦.૨ ટકાનો ઘટાડો થયો
એમેઝોનના શેર ૪.૯૯ ટકા ઘટ્યા, જેના કારણે જેફ બેઝોસની સંપત્તિ ૧૦.૨ બિલિયન ડોલર ઘટીને ૨૪૮ બિલિયન ડોલર થઈ ગઈ. મેટાના શેર ૩.૮૫ ટકા ઘટ્યા, જેના કારણે શુક્રવારે માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ૯.૬૭ બિલિયન ડોલરનો ઘટાડો થયો. તેમની કુલ સંપત્તિ હવે ૨૪૮ બિલિયન ડોલર થઈ ગઈ. એનવીડિયાના શેરના ભાવમાં ૪.૯૧ ટકાનો ઘટાડો થયો, જેના કારણે જેનશેંગ હુઆંગને ૮.૦૭ બિલિયન ડોલરનું નુકસાન થયું. તેમની કુલ સંપત્તિ હવે ૧૫૯ બિલિયન ડોલર થઈ ગઈ.
ઉપરાંત, ઓરેકલના શેરમાં ઘટાડો થયો, જેના કારણે લેરી એલિસનને ૫.૧૭ બિલિયન ડોલરનું નુકસાન થયું. તેમની કુલ સંપત્તિ હવે ૩૫૧ બિલિયન ડોલર થઈ ગઈ છે, જે આ વર્ષે ૧૫૯ બિલિયન ડોલરનો વધારો દર્શાવે છે.
લેરી પેજ પણ સંપત્તિ ગુમાવનારાઓમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ ૨૦૯ બિલિયન ડોલર છે. તેમને ૩.૮૪ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. સેર્ગેઈ બ્રિને ૩.૫૬ બિલિયન ડોલર ગુમાવ્યા છે. તેમની પાસે હવે ૧૯૫ બિલિયન ડોલરની કુલ સંપત્તિ છે. બર્નાર્ડ આર્નોલ્ટે ૨.૯૯ બિલિયન ડોલર ગુમાવ્યા છે. તેમની કુલ સંપત્તિ હવે ૧૭૭ બિલિયન ડોલર છે.
સ્ટીવ બાલ્મરને ૩.૬૫ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. તેમની કુલ સંપત્તિ હવે ૧૭૬ બિલિયન ડોલર છે. માઈકલ ડેલને ૫.૯૨ બિલિયન ડોલરનું નુકસાન થયું છે અને તેમની કુલ સંપત્તિ હવે ૧૫૧ બિલિયન ડોલર છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપાર યુદ્ધ વધાર્યા બાદ શુક્રવારે યુએસ શેરબજારમાં ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૮૭૮.૮૨ પોઈન્ટ અથવા ૧.૯૦ ટકા ઘટીને ૪૫,૪૭૯.૬૦ થયો હતો, જ્યારે એસ એન્ડ પી-૫૦૦ ૧૮૨.૬૦ પોઈન્ટ અથવા ૨.૭૧ ટકા ઘટીને ૬,૫૫૨.૫૧ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ ૮૨૦.૨૦ પોઈન્ટ અથવા ૩.૫૬ ટકા ઘટીને ૨૨,૨૦૪.૪૩ થયો હતો.