BREAKING NEWS

કાલે મતદાનના દિવસે રાજકોટ-અમદાવાદમાં આકાશમાંથી અંગારા વરસશે, 43 ડિગ્રી ગરમી રહેશે, જાણો બીજે કેટલું તાપમાન રહેશે

  • April 25, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની છે. બરાબર તેવા સમયે જ કાળજાળ ગરમીએ જોર પકડ્યું છે. કાલે રાજકોટ અને અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા છે અને આ બાબત ઓછા મતદાન માટે અનેક કારણોમાં પૈકી મોટું અને મહત્વનું કારણ બની રહે તેવી શક્યતાના કારણે ઉમેદવારો અને રાજકીય પક્ષોને અત્યારથી જ પરસેવો છૂટી રહ્યો છે.


હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ કાલે મતદાનના દિવસે વડોદરામાં 42, સુરતમાં 38, દ્વારકામાં 33, ભુજમાં 42 અને વેરાવળમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાય એવું લાગે છે.


કાલે દિવસનો પ્રારંભ પણ ઊંચા તાપમાન સાથે થવાની સંભાવના પણ હવામાન ખાતાના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આવતીકાલે વેરાવળમાં 27, ભુજમાં 26, દ્વારકામાં 27, રાજકોટમાં 24, અમદાવાદમાં 28, વડોદરા અને સુરતમાં 25 ડિગ્રી સવારનું લઘુતમ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. આ આંકડાકીય વિગતો રાબેતા મુજબના લઘુત્તમ તાપમાન કરતા સરેરાશ બે ડિગ્રી જેટલું વધુ દર્શાવે છે.


ગરમીની સાથો સાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ લોકોને અકળાવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આ મામલે પરિસ્થિતિ વધુ ગંભીર છે. આવતીકાલે ભેજનું પ્રમાણ સવારે અને સાંજે કેટલું રહેશે તેના પર જે અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તેના પર નજર નાખીએ તો રાજકોટમાં કાલે સવારે 85% અને સાંજે ૨૦ ટકા, દ્વારકામાં સવારે 85 ટકા સાંજે 50%, ભુજમાં સવારે 75 ટકા સાંજે ૨૦ ટકા, વેરાવળમાં સવારે ૯૦ ટકા અને સાંજે ૬૦ ટકા ભેજનું પ્રમાણ રહે તેવું લાગે છે. આ ઉપરાંત અમદાવાદમાં સવારે 65% અને સાંજે ૨૦ ટકા વડોદરામાં સવારે 50% અને સાંજે ૨૦ ટકા તથા સુરતમાં સવારે ૬૦ ટકા અને સાંજે ૩૦ ટકા ભેજ રહે એવું અનુમાન છે.


મતદાન પૂરું થયા બાદ બીજા જ દિવસથી ગરમીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો શરૂ થશે અને તારીખ 30 સુધીમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટી જશે તેવું પણ અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application