૩૧ માર્ચ સુધીમાં થઇ જશે: ઓથોરિટી ૨૦૨૫ પહેલાં નહીં થાય: ડીજીસીઅ

  • February 21, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ટર્મિનલ બિલ્ડીંગની કામગીરી હવે અંતિમ ચરણમાં હોવાનું ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું તો બીજી તરફ તાજેતરમાં ડી જી સી એ ની ટીમે એરપોર્ટની ચાલતી કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું જેમાં એવો રિપોર્ટ આપ્યો છે કે ૨૦૨૫ પહેલા એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર નહીં થાય. હીરાસર એરપોર્ટને લઈને અલગ અલગ રિપોર્ટના કારણે અવઢવ વધી છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર એરપોર્ટ ખુલ્લું મુકાયા બાદ ૧૦ સપ્ટેમ્બર થી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી હતી અને તે સમયે એવી જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૨૩ ના અંત સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવશે.
 
પરંતુ મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ નું કામ ચાલતું હોવાથી આ બિલ્ડીંગ ફેબ્રુઆરી એ માર્ચ મહિના સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ કામગીરી માટે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટરને પણ ડેડ લાઈન આપવામાં આવી હતી. જેમાં આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ના અંત સુધીમાં મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ અને બાકીની કામગીરી પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી.ઓથોરિટીના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, હવે કામ ૨૦% જેટલું જ બાકી છે અને માર્ચ મહિના સુધીમાં ટર્મિનલ બિલ્ડીંગ પૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

જ્યારે તાજેતરમાં ડી જી સી એ ના ઉચ્ચ અધિકારીઓ સંતોષ ડેવિડ અને સમય મીનાએ એરપોર્ટ પર ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી અને આ ઇન્સ્પેક્શન દરમિયાન તેમણે ૨૦૨૫માં ટર્મિનલ અને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે તેઓ અભિપ્રાય આપ્યો હતો.


એટીસી-ટેકનિકલ બિલ્ડિંગ તૈયાર, મુખ્ય બિલ્ડિંગનું કામ ૨૪ કલાક ચાલુ

બિલ્ડિંગ સાથે સાથે ટર્મિનલ ની અંદરની કામગીરી પણ ચાલી રહી છે.જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને ૮ ચેક-ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા ૧૨ ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે. એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત ૫૨૪ એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે.હાલમાં એરો બ્રિજનું કામ પણ પૂરું થવાની તૈયારીમાં છે.ટર્મિનલને ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ઊર્જા-કાર્યક્ષમ હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (એચવીએસી) સિસ્ટમ્સ, એલઇડી લાઇટિંગ, ઓટોમેટેડ લાઇટિંગ કંટ્રોલ સિસ્ટમ્સ, ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ અને ઊર્જા-કાર્યક્ષમ ઇલેક્ટ્રિકલ સાધનો છે. એરપોર્ટની અન્ય ટકાઉ સુવિધાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ, બાંધકામ માટે ઈકો-ફ્રેન્ડલી બિલ્ડિંગ મટિરિયલનો ઉપયોગ અને ઊર્જા-કાર્યક્ષમ ચિલરનો સમાવેશ થશે. ઊર્જા બચાવવા માટે બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે.ટર્મિનલમાં અવાજનું સ્તર ઘટાડવા માટે કાર્પેટ અને ડ્રેપ્સ જેવી ધ્વનિ-શોષી લેતી સામગ્રી પણ હશે. 


ફેસ ૩માં ટર્મિનલ બિલ્ડિંગ મોટું થાય તેવી ધારણા

૨૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં પેસેન્જર ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે. પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરી શકશે. હાલમાં ફેસ ૧માં કામગીરી ચાલી છે, ફેસ ૨ અથવા ૩માં બિલ્ડીંગને મોટું કરાશે એવી ધારણા છે.અગાઉના આયોજન અંતર્ગત નવા બિલ્ડિંગમાં વિસ્તૃતિકરણ કરવા માટે આગળ અને પાછળ બંને સાઈડ જગ્યા રાખવામાં આવી છે જેથી કરીને ટર્મિનલ બિલ્ડીંગને મોટું બનાવી શકાય.


એરક્રાફ્ટ માટેના પાર્કિંગ માર્ચના અંત સુધીમાં તૈયાર થઈ જશે
૫૦,૮૦૦ ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે. એરક્રાફ્ટ માટેના પાર્કિંગ માર્ચ ૨૦૨૪ દરમિયાન તૈયાર થઈ જશે અને ત્યારબાદ ઓથોરિટી ને હેન્ડ ઓવર કરવામાં આવશે. જેથી હાલમાં એરક્રાફ્ટના પાર્કિંગ માટેની શોર્ટજ ઊભી થઈ છે તે દૂર કરી શકાશે અને નવી ફલાઇટ શરૂ થશે, સમર શેડ્યુલ માં નવા એરપોર્ટ પરથી ૧૪ જેટલી ફ્લાઈટની ઉડાન શરૂ થાય તેવી સંભાવના છે. નવા બનાવવા માં આવેલા ચાર પાર્કિંગમાં ૩૨૧ વિમાનની અવરજવર શક્ય બનશે, હાલમાં ૩૨૦ ટાઈપમાં વિમાન આવે છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘સી’-ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘ઇ’-ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-૩૮૦, બોઇંગ ૭૪૭ અને બોઇંગ ૭૭૭ જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application