BREAKING NEWS

ધોમધખતા તાપમાં સ્કોર્પિયો પલ્ટી મારી વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

  • April 30, 2026 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સગાઈના મંગળ પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારની ખુશીઓ માર્ગ અકસ્માતમાં માતમના ફેરવાઈ ગઈ છે. સ્કોર્પિયો કાર પલટી ખાઈને વીજ પોલ સાથે અથડાતા સર્જાયેલી આ દુર્ઘટનામાં ૩ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.


સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો સર્જાયો કાળમુખો અકસ્માત

મળતી વિગતો અનુસાર, એક સ્કોર્પિયો કાર બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહી હતી. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર કારચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર માર્ગ પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોરદાર પલટીઓ મારીને સીધી વીજળીના થાંભલા (વીજ પોલ) સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને લોખંડના ડચામાં ફેરવાયેલી કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા મુશ્કેલ બન્યા હતા.


3ના મોત, અન્ય 2ની હાલત ગંભીર

આ કરુણ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ૨ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોળકા અને બગોદરાની એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોની હાલત હજુ પણ નાજુક છે, જેના કારણે મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.


ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાયો

આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બારેજા ગામના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સવારના સમયે હસતા-રમતા ચહેરે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યા હતા. પરંતુ કાળને કંઈક જુદું જ મંજૂર હતું. ભામસરા પહોંચતા પહેલા જ રસ્તામાં અકસ્માત નડતા પરિવાર અને સમગ્ર બારેજા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જે ઘરે સગાઈના ગીતો ગવાતા હતા ત્યાં હવે મરણતોલ આક્રંદ સંભળાઈ રહ્યો છે.


પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માર્ગ પરથી વાહનો હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ધોળકા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અથવા ટેકનિકલ ખામીને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હોય તેમ લાગી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application