અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં એક જ પરિવારના પતિ, પત્ની અને તેમના વહાલાસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માતની ભયાનકતા એટલી હતી કે આઈસર ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
અજાણ્યું વાહન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયું
મળતી માહિતી અનુસાર, ધોળકા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા એક અજાણ્યા વાહનની પાછળ ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત સમયે ટ્રકની ઝડપ અત્યંત વધુ હોવાને કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ટ્રકમાં સવાર પરિવારને અકસ્માત થવાનો કોઈ અંદાજ પણ આવ્યો ન હતો અને પળભરમાં જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો હતો. અકસ્માત સર્જીને આગળ ચાલતું અજાણ્યું વાહન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયું હતું.
ત્રણેયના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા
આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર પતિ, પત્ની અને તેમના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક રાહદારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા તેમજ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે તપાસ બાદ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ ખસેડ્યા
ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકાના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા છે. સાથે જ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે હાઈવે પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે.
થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
આ અકસ્માતને પગલે ધોળકા-બગોદરા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ અને પ્રશાસન દ્વારા ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળ નિધનથી સમગ્ર પંથકમાં શોક અને સંવેદનાનો માહોલ છવાઈ ગયો છે.