જામનગરમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા ત્રણના મોત, છ ઘાયલ

  • June 24, 2023 11:21 AM 

ગોઝારી ઘટના...
શહેરના સાધના કોલોની વિસ્તારમાં ગઇકાલે એક મકાન તૂટી પડતાં ત્રણના મોત થયા છે અને છ જેટલા ઘાયલ થયા છે, ઉપરોક્ત તસ્વીરમાં મકાનનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે, કાટમાળ નીચે દબાયેલી નાની બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે, પીએસઆઇ વી.કે. ગઢવીએ પણ મકાનના કાટમાળમાંથી કેટલાક લોકોને બચાવ્યા હતા, આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવો સતત આ સ્થળ પર હાજર રહ્યા હતા અને કામગીરી ઝડપી બને એ માટે તાત્કાલિક જેસીબી સહિતનો માલસામાન મંગાવ્યો હતો, તસ્વીરોમાં ઘાયલ થયેલાઓને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

**
ભારે અફડાતફડી : કાટમાળ હેઠળ દબાયેલાઓને રેસ્ક્યુ કરાયા: એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મૃત્યુથી ભારે ગમગીની: અન્ય પાંચ સારવારમાં ખસેડાયા

જામનગરની ન્યુ સાધના કોલોની વિસ્તારમાં આવેલા એમ ૬૯ નંબરના બિલ્ડીંગનો ત્રણ માળનો હિસ્સો ગઇ સાંજે એકાએક ધરાશાયી થઈ જતા અફડાતફડી સર્જાઇ હતી. જે બિલ્ડીંગના કાટમાળમાં ફસાયેલી તમામ આઠ વ્યક્તિઓને બહાર કાઢવા માટે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને તમામને બહાર કાઢી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જે પૈકી એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. જ્યારે બાકીના અન્ય પાંચ સારવાર હેઠળ છે. મહાનગરપાલિકાનું તંત્ર, પોલીસ વિભાગ, રાજકીય આગેવાનો સહિતનો તમામ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો.
આ ગોઝારી દુર્ઘટનાની વિગતો એવી છે કે જામનગરમાં સાધના કોલોની બ્લોક નંબર એમ. ૬૯ નામનું બિલ્ડીંગ કે જેમાં વચ્ચેના ભાગમાં સીડી અને બંને તરફ ત્રણ માળના છ છ મળી કુલ ૧૨ ફલેટ આવેલા છે, જે પૈકીનો એક વિભાગનો છ ફ્લેટ સાથેનો હિસ્સો ગઇ સાંજે છ વાગ્યાના સમયે ધસી પડ્યો હતો, અને કાટમાળમાં ફેરવાયો હતો. જે દુર્ઘટનાની જાણ થતા ભારે દોડધામ થઈ ગઈ હતી.
સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટુકડી, ૧૦૮ ની ટીમ તેમજ પોલીસ વિભાગ વગેરે દોડતો થયો હતો, અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી સમયે સ્થાનિક નાગરિકો પણ મદદમાં જોડાયા હતા. ઉપરાંત જામનગર શહેર જિલ્લાના તમામ રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ચાર જેસીબી મંગાવી તાત્કાલિક ધોરણે કાટમાળને ખસેડવાની અને અંદર ફસાયેલી વ્યક્તિઓને બચાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો હતો.
શરુઆતમાં ૧૫ મિનિટના સમયગાળા દરમિયાન ચાર વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા હતા, જેઓને ૧૦૮ નંબરની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતી, અને જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ અન્ય ચાર વ્યક્તિઓ કાટમાળમાં ફસાયેલી હોવાથી અને તે વ્યક્તિઓ દ્વારા મદદ માટેની બુમાબુમ કરાતી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કુનેહતા પૂર્વક કાટમાળ ખસેડવાની કામગીરી હાથ કરી હતી, અને એક પછી એક કરીને અન્ય ચાર વ્યક્તિને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવી હતી. જેઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા પછી તમામને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે તેમના પરિવારની અન્ય ૧ વ્યક્તિ સહિત હજુ પાંચ વ્યક્તિ સારવાર હેઠળ છે.
કાટમાળ હેઠળ એક જ પરિવારના ચાર વ્યક્તિ દબાયા હતા જેમાં મિતલબેન જયપાલભાઈ સાદીયા (૩૫ વર્ષ) તેના પતિ જયપાલભાઈ રાજુભાઈ સાદીયા (૩૬) તેમજ તેમના ૪ વર્ષના પુત્ર શિવમ જયપાલભાઈ સાદીયા (એમ-૬૯ રુમ નં. ૪૪૪૮) ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે તેના પરિવારના અન્ય ૧ વ્યક્તિ હિતાંશી જયપાલભાઈ સાદીયા (ચાર વર્ષ)નો બચાવ થયો છે અને હાલ સારવાર હેઠળ છે.
આ ઉપરાંત અન્ય ફ્લેટમાં રહેતા  કંચનબેન મનસુખભાઈ જોઈસર (ઉંમર વર્ષ૭૦) તેમજ પારૂલબેન અમિતભાઈ જોઈસર (ઉંમર વર્ષ ૪૦) કે જે બંનેને પણ સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ છે આ ઉપરાંત દેવીબેન નામના પચાસ વર્ષના મહિલા, રાજુ ઘેલાભાઇ સાદીયાને બહાર કાઢી સારવાર અપાઇ છે. વહીવટી તંત્ર દ્વારા સાડા નવ વાગ્યા સુધી ઓપરેશન ચાલુ રખાયું હતું. સમગ્ર બિલ્ડીંગનો કાટમાળ ખસેડી લીધા પછી આખરે રેસ્ક્યુ કામગીરી બંધ કરવાની મ્યુ. કમિશનર ડી.એન. મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
ગઇ સાંજે ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા ભારે અફડાતફડી મચી ગઇ હતી, ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, મોડી રાત્રી સુધી આ વિસ્તારમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી, સાધના કોલોની વિસ્તારમાં ૩૧ વર્ષ જુનુ મકાન ગઇ સાંજે પડી ગયુ હતું, આ વિસ્તારના અન્ય મકાનોની હાલત પણ ખુબ જ જર્જરીત છે, તંત્ર માત્ર નોટીસ આપે છે પરંતુ નકકર કાર્યવાહી થતી નથી, આ વિસ્તારના કેટલાક લોકોએ દુર્ઘટના બાદ સવારથી જ પોપડા પડતા હોવાનું અને એક, બે આસામીઓ અગમચેતીના ભાગરુપે પોતાના આવાસના ફલેટમાંથી અન્યત્ર ચાલ્યા જતા તેમનો બચાવ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application