કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

  • February 01, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી મેરામણના કહેવા મુજબ તેના ભાઈ એવા આરોપી રણમલ પોસ્તરીયાએ તેના જેસીબી મારફતે સતાપર ગામની સીમમાં આવેલી ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની સરકારી જમીનમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર વર્ષ ૨૦૧૬ માં ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કર્યું હતું. જેમાં કોઈ પણ પ્રકારની રોયલ્ટી વગર કાઢવામાં આવેલા હાઈગ્રેડ બોકસાઈટને તંત્ર દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં કુલ રૂપિયા ૨.૨૨ લાખની કિંમતના આશરે ૩૦૬ મેટ્રિક ટન જેટલા ચોરીના હાઇગ્રેડ બોકસાઈટ તેમજ રૂપિયા ૮ લાખની કિંમતના જેસીબી મશીન સાથે રંગે હાથ ઝડપાઈ જતા આ સમગ્ર સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખાણ ખનીજ કચેરીના માઇન્સ સુપરવાઇઝર બી.એસ. વાલસુર દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ ૧૨૦ (બી), ૩૭૯ તથા માઈન્સ એન્ડ મિનરલ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ વિગેરે તથા ગુજરાત મિનરલ (પ્રીવેન્શન ઓફ ઇલલીગલ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ હેઠળની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી કે.એલ. ગળચર તથા એમ.પી. પંડ્યા દ્વારા સાહેદોના નિવેદનો તેમજ કાર્યવાહી બાદ ખંભાળિયાની સ્પેશિયલ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ખંભાળિયાના મેજિસ્ટ્રેટ એસ.જી. મન્સૂરી દ્વારા કુલ ૧૨ સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદી ખાણ ખનીજ અધિકારી ભાવેશભાઈ વાલસુરની જુબાની તેમજ ખનીજ ચોરી અંગે સાંકળતા પુરાવાઓ, આરોપીઓ રૂબરૂના રોજકામ તેમજ કબજે કરવામાં આવેલા મુદ્દામાલ સંદર્ભેની સવિસ્તૃત દલીલો અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવતા આ દલીલોને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ  એસ.જી. મન્સૂરી દ્વારા ઉપરોક્ત બંને આરોપીઓને જુદી જુદી કલમ હેઠળ સાડા ત્રણ વર્ષની સજા તેમજ રૂપિયા ૪૦,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application