રાજકોટમાં અયોધ્યા ચોકમાં જીએસટીના વિવાદિત કેસોનો નિકાલ કરવા માટે જીએસટી અપીલેટ ટ્રીબ્યુનલની કચેરી ખુલવાના સુત્રો પાસેથી મળેલા સમાચાર વચ્ચે જીએસટીના ટેકસ તજજ્ઞો અને વેપારીઓમાં હજુ પણ અવઢવ જોવા મળી રહી છે. કારણ કે, વેપારીઓને અત્યાર સુધી અનેક વખતની રજૂઆત છતાં જીએસટી વિભાગે કચેરી ખોલવાની માત્ર સાંતવના આપી છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં અપીલેટ ટ્રીબ્યુનલ તુરંતમાં કાર્યરત થાય તો રાજયભરના અનેક વેપારીઓના કરોડોના અટવાયેલા નાણા પરત મળી શકે તેમ છે, પરંતુ રાજકોટમાં કચેરી માટે હજુ સુધી જજોની એપોઇન્ટમેન્ટ થઇ નથી, ત્યારે કદાચ કચેરી ખુલી જાય તો પણ વર્ષેા જુના પ્રશ્નો હજુ પણ યથાવત રહે તેવી સંભાવના છે. જેથી શહેરના ટેકસ તજજ્ઞો સરકાર પાસે જીએસટીની રેગ્યુલર બેચની માગણી કરી રહ્યા છે
કેસ બોર્ડ પર ઝડપથી આવે તે જરૂરી: અપૂર્વ મહેતા
રાજકોટ જીએસટી બાર એસોસિએશનના પ્રમુખ અપૂર્વ મહેતાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીએસટી અપીલેટ ટ્રીબ્યુનલ કચેરી ખુલે તો સારી બાબત છે કારણ કે ૨૦૧૭થી અપીલના કેસોનો ભરાવો થયો છે. ટ્રીબ્યુનલની રચના મુજબ તમામ કેસોનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ થશે. આ માટે સૌપ્રથમ તો કેસ બોર્ડ પર ઝડપથી આવે તે જરૂરી છે અને સૌથી મોટી બાબત રાજકોટની જીએસટી અપીલેટ ટ્રીબ્યુનલની કચેરીમાં રેગ્યુલર બેચ આપવામાં આવે તો જ વેપારીઓને લાભ થશે. કારણ કે જો અર્જન્ટમાં કેસની સુનાવણી કરવામાં આવે તો કદાચ અમદાવાદથી જ વીડિયો કોન્ફરન્સ દ્રારા સુનાવણી કરવી પડે અથવા તો અમદાવાદના જજો દ્રારા ટુરથી સુનાવણી કરવામાં આવે તો રેગ્યુલર બેઝ પર ન થાય અને માત્ર બે–ત્રણ મહિને જ થઇ શકે. ખાસ કરીને વેપારીઓને ડિમાન્ડવાળા કેસમાં કે રિફંડવાળા કેસમાં જયારે વિરૂધ્ધ નિર્ણય હોય ત્યારે ટ્રીબ્યુનલ બોર્ડ પર ન આવે તો વેપારી હેરાન પરેશાન થઇ જાય.
જીએસટી વિભાગ સતત ઉઘરાણી કરે છે: ચંદ્રકાંત શિંગાળા
રાજકોટમાં જીએસટીના તજજ્ઞ ચંદ્રકાંતભાઇ શિંગાળાના જણાવ્યા પ્રમાણે જીએસટીને લગતા અનેક કેસોનો હાઇકોર્ટમાં ભરાવો થયો છે ત્યારે જલ્દીથી રાજકોટમાં કચેરી કાર્યરત થાય તો સૌરાષ્ટ્ર્રભરના વેપારીઓને સુનાવણી માટે અમદાવાદ સુધી જવું ન પડે. અત્યાર સુધી જીએસટીની આડેધડ આકારણી કરવામાં આવ્યા બાદ વેપારીઓ અને ટેકસ તજજ્ઞો અટવાયા છે, કારણ કે ૨૦૧૭માં કાયદો નવો બન્યો ત્યારે વેપારીઓ સાથે હળવાશથી કામ લેવાની વાત હતી તેની વચ્ચે જીએસટી વિભાગ વેપારીઓ પાસે સતત નાણાકીય ઉઘરાણી કરી રહ્યો છે. જેથી વેપારીઓ સતત તનાવ હેઠળ રહે છે. છેલ્લ ા છ વર્ષમાં રિટર્ન ભરવામાં જે ભૂલો થઇ હોય તેને સુધારવાની પોર્ટલ પર પણ વ્યવસ્થા નથી. જેથી વિભાગ ભૂલવાળા રિટર્નને ફાઇનલ ગણી અને ઉઘરાણી કરી રહ્યો છે, ત્યારે રાજકોટમાં કચેરી સત્વરે કાર્યરત થાય તેવું સૌરાષ્ટ્ર્રભરના વેપારીઓ ઇચ્છી રહ્યા છે.
કચેરી ચાલુ થયા બાદ કેસોનો નિકાલ કયારે ?: જતીન ભટ્ટ
રાજકોટના જીએસટી કન્સલ્ટન્ટ જતીનભાઇ ભટ્ટ પણ કંઇક આવું જ જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે હજુ એક વર્ષ જીએસટી ટ્રીબ્યુનલની કચેરી કાર્યરત થવામાં લાગી જાય તો કોઇ નવાઇ નહીં અને કચેરી ચાલુ થયા બાદ પણ કેસોનો નિકાલ કયારે થાય તે મોટો સવાલ છે. કારણ કે, રાજકોટમાં કચેરી માટેની તડામાર તૈયારી વચ્ચે સ્ટાફની રિક્રુટમેન્ટ થઇ નથી.
અનેક કેસો અને કરોડોના અટવાયેલા નાણા: દીપક ચેતા
આવુ જ કઇં અન્ય એક ટેકસ તજજ્ઞ દિપકભાઇ ચેતાએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં અપીલેટ ટ્રીબ્યુનલની કચેરી જલ્દીથી કાર્યરત થાય તો જ સૌરાષ્ટ્ર્રભરના વેપારીઓની મુશકેલી હલ થશે. કારણ કે છેલ્લ ા છ વર્ષમાં અંદાજે ૫૦થી ૧૦૦ કરોડ જેટલા વેપારીઓના નાણા અટવાયેલા છે. જેમાં ઇ–વે બીલ, રેગ્યુલર એસેસ્મેન્ટ, પેનલ્ટી ડીમાન્ડ, રિફંડ, નવા નંબર કેન્સલ થયા હોય કે નિર્દેાષ વેપારીઓને ઇનપુટ ટેકસ ક્રેડીટના પ્રશ્નો હોય ત્યારે સામાવાળા વેપારીના નંબર કેન્સલ થયેલા હોય તેવા અનેક પ્રશ્નોના કારણે વેપારીઓની સમસ્યા યથાવત જ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોગસ ઇનપુટ કેશ ક્રેડિટ કૌભાંડમાં બનાવટી ખાતા ખોલનાર બેંક કર્મીના જામીન મંજૂર
April 19, 2025 02:42 PMવિસાવાડા ગામે યોજાશે મેગા અશ્વ શો અને રમતોત્સવ
April 19, 2025 02:28 PMજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech