દિવાનપરમાં દુકાનમાંથી ૧૩.૬૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: રાજસ્થાની ઝડપાયો

  • March 20, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના દિવાનપરા મેઇન રોડ પર આવેલી મનાલી ટેક્સટાઇલ નામની દુકાનમાં થયેલી 13.62 લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ચોરી પ્રકરણમાં રાજસ્થાની શખસને ઝડપી લીધો હતો. જ્યારે સૂત્રધાર હાથ લાગ્યો નથી. પોલીસે ઝડપાયેલા આ શખસ પાસેથી રોકડ રૂ. 78,700 કબજે કર્યા હતા.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. 9/3/2025 ના શહેરના દિવાનપરા મેઇન રોડ પર આવેલી વેપારી શશીકાંતભાઈ રાયઠઠ્ઠાની મનાલી ટેક્સટાઇલ નામની દુકાનમાંથી ભગવાનના સોનાના પેન્ડલ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 13.62 લાખની ચોરી થઈ હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


ચોરીની આ ઘટનાને લઇ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.ડી.ડોડીયા તથા તેમની ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, રાજેશભાઈ જળુ અને વિશાલભાઈ દવેને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી નિતેશ શાંતિલાલ ખરાડી (ઉ.વ 23 રહે. ફતેપુરા,જી. બાંસવાડા, રાજસ્થાન) ને ઝડપી લઈ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 78,700 રોકડ કબજે કરી હતી.


ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા આ ચોરીમાં સૂત્રધાર તરીકે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના મલવાસા ગામના વતની રામેશ્વર ઉર્ફે રમેશ નથુભાઈ નીનામાનું નામ સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ બાંધકામ સાઈટ પર છૂટક મજૂરી કામ કરતા હતા. બનાવ બન્યાના પાંચ દિવસ પૂર્વે જ અહીં રાજકોટ આવ્યા હતા. બાદમાં ચોરીના આ બનાવને અંજામ આપી સૂત્રધાર રામેશ્વરે સાથીદાર નિતેશને રૂ. 1 લાખ આપી પોતે જતો રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી નિતેશ સામે બાંસવાડામાં રાયોટનો તથા રામેશ્વર સામે રાજસ્થાનમાં મારામારીના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. આ બંને આરોપીઓ બાંધકામ સાઈટ નજીક આવેલી દુકાનને ટાર્ગેટ બનાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.


બજારમાં પેટ્રોલીંગ વધારવા વેપારીઓની માંગણી

ધ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર કચેરી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમના એસોસિયેશનના સહ મંત્રી શશીકાંતભાઈની દુકાનમાં ગત તા. 9/3 ના 13.62 લાખની ચોરી થઈ હતી. છેલ્લા દસ દિવસ દરમિયાન આ વિસ્તારમાં બે મોટા ચોરીના બનાવ બન્યા છે. ત્યારે અહીં ખાસ કરીને પેટ્રોલીંગ વધુ અસરકારક કરવામાં આવે તેવી માંગણી કરી છે. સાથોસાથ રજૂઆતમાં જણાવ્યું હતું કે, દિવાનપરા વિસ્તાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ, કડિયા લાઈનની શેરીઓ, ધર્મેન્દ્ર રોડની શેરીઓ ખાતે મોટા પ્રમાણમાં કાપડનો વેપાર, જીવન જરૂરી ચીજ વસ્તુઓ રેડીમેટ ગારમેન્ટની દુકાનો આવેલી છે. બજાર વિસ્તારમાં સીસીટીવીની સુવિધા બિલકુલ નથી. જેથી તસ્કરો ફાવી જતા હોય છે ત્યારે અહીં ચોરીના બનાવો અટકાવવા માટે આ બજાર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી પણ માંગણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application