ભગવતીપરાના યુવાનને રસ્તામાં આંતરી ગાળો દઇ છરી ઝીંકી દીધી

  • November 27, 2023 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા યુવાનને અહીં ઘર નજીક ચામડીયાપરા ખાટકીવાડમાં રહેતા શખસે રસ્તામાં આંતરી ગાળો આપી છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાને અગાઉ આરોપી સામે ફરિયાદ અરજી કરી હોય જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરામાં નંદનવન સોસાયટી શેર નં.1 પાસે રહેતા અને મજુરી કામ કરનાર સાગર સતિષભાઇ સોલંકી(ઉ.વ 18) નામના યુવાને બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુના મોરબી રોડ પર ચામડીયાપરા ખાટકીવાડમાં રહેતા અલ્બાઝ ઉર્ફે રહિશ મહંમદભાઇ ભાડુલાનું નામ આપ્યું છે.


યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ગઇકાલે બપોરના સમયે તેના દાદા દેવશીભાઇને બાઇકમાં બેસાડી પારેવડી ચોક ખાતે મુકવા જતો હતો ત્યારે બે માસ પૂર્વે જેની સાથે માથાકૂટ થઇ હતી તે અલ્બાઝ ઉર્ફે રહીશ સામે મળ્યો હતો જેથી યુવાને બાઇક બીજી તરફ વાળી દીધું હતું અને તે દાદાને મુકીને પરત આવતો હતો ત્યારે રસ્તામાં અલ્બાઝે તેને આંતરી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી ગાળો આપી હતી.બાદમાં છરી કાઢી બે છરીના ઉંઘા ઘા માર્યા હતાં બાદમાં એક ઘા ગળાનાભાગે મારી દીધો હતો.જેથી યુવાનને લોહી નીકળવા લાગતા તે બુમાબુમ કરતા આ અલ્બાઝે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો.


બાદમાં યુવાનને ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાને જણાવેલી હકિકત મુજબ બે માસ પૂર્વે ઘડીયાળ બાબતે તેને અલ્બાઝ સાથે માથાકૂટ થઇ હતી અને અલ્બાઝે ધમકી આપતા બી ડિવિઝનમાં ફરિયાદ અરજી કરી હતી.જે બાબતનો ખાર રાખી તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 323,324, 504,506(2),જીપીએકટ કલમ 135 અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application