રસોઈ બનાવવી એ એક કળા છે, પરંતુ ઘણીવાર ઉતાવળમાં કે અંદાજ ન આવવાને કારણે દાળ, શાક કે ગ્રેવીમાં લાલ મરચું જરૂર કરતાં વધુ પડી જાય છે. પહેલો કોળિયો ખાતા જ મોંમાં બળતરા થવા લાગે છે, જેનાથી સ્વાદ બગડે છે અને આખી મહેનત બેકાર જાય છે. ખાસ કરીને બાળકો અને વડીલો માટે આવું તીખું ખાવાનું અશક્ય બની જાય છે. જો તમારી સાથે પણ આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. તમારા રસોડામાં જ એવી કેટલીક સામગ્રી હાજર છે જે મિનિટોમાં શાકનો સ્વાદ બેલેન્સ કરી શકે છે.
૧. દહીં અથવા તાજી મલાઈ
જો શાક કે ગ્રેવી બહુ તીખી થઈ ગઈ હોય, તો તેમાં થોડું દહીં, મલાઈ કે ક્રીમ ઉમેરી દો. તેનાથી તીખાશ ઓછી થશે અને શાકમાં સરસ ક્રીમી ટેક્સચર આવશે. પરંતુ ધ્યાન રાખવું કે દહીં ઉમેરતી વખતે ગેસ ધીમો રાખવો જેથી દહીં ફાટી ન જાય.
૨. કાચા બટાકાનો કમાલ
બટાકા વધારાના મસાલા અને મીઠાને સોષી લેવાનું કામ કરે છે. રસાવાળા શાકમાં બટાકાના મોટા ટુકડા કરીને થોડીવાર પકાવો. બાદમાં તમે આ ટુકડા કાઢી પણ શકો છો.
૩. લીંબુનો રસ
શાકમાં થોડો લીંબુનો રસ ઉમેરવાથી તેની હળવી ખટાશ તીખાશને દબાવી દે છે અને સ્વાદને સંતુલિત કરે છે.
૪. ગળપણની મદદ જો ખાવાનું બહુ વધારે તીખું થઈ ગયું હોય, તો તેમાં થોડું મધ, ખાંડ અથવા ગોળ ઉમેરી શકાય છે. ગળપણથી મરચાની અસર ઓછી વર્તાય છે. જોકે, આ વસ્તુઓ બહુ ઓછી માત્રામાં નાખવી, નહીં તો શાક મીઠું થઈ જશે.
૫. એક્સ્ટ્રા ગ્રેવી કે સામગ્રી
જો શાક ઓછું હોય અને મરચું વધુ હોય, તો તેમાં થોડું પાણી, ઉકાળેલા શાકભાજી અથવા અલગથી બનાવેલી સાદી ગ્રેવી ઉમેરી દો. આનાથી મસાલા ફેલાઈ જશે અને તીખાશ આપોઆપ ઓછી થઈ જશે.૬. રોટલી કે ભાત સાથે સર્વ કરો: બહુ તીખું શાક સીધું ખાવાને બદલે તેને બ્રેડ, રોટલી કે ભાત સાથે ખાવાથી મરચાની તીવ્રતા ઓછી લાગે છે. તેથી જ સ્પાઈસી ફૂડ સાથે લોકો દહીં કે રાઈસ લેવાનું પસંદ કરે છે.