ખંભાળિયામાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો સ્વિમિંગ પૂલ શોભાના ગાંઠીયા જેવો

  • May 30, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકાની લાખો રૂપિયાની વધુ એક મિલ્કત ધુળ ખાય છે



ખંભાળિયા શહેર કે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે, અહીં જિલ્લાની મોટા ભાગની તમામ વડી કચેરીઓ આવી કાર્યરત છે. પરંતુ અનેક સુવિધાઓ હજુ પણ ખૂટે છે. ત્યારે શહેરને મધ્યમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો સ્વિમિંગ પૂલ ખુલ્લો ન મુકવામાં આવતા નગરજનોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. આ સ્વિમિંગ પુલના સંચાલન માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં અગાઉની બે પ્રક્રિયા દરમિયાન કોઈ એજન્સી કે પાર્ટી તૈયાર ન થતા આ સ્વિમિંગ પૂલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો ન હોવાનું સૂત્રો દ્વારા જણાવ્યું છે.


ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલા સ્ટેશન રોડ વિસ્તાર નજીક નગર પાલિકાના દ્વારા આશરે રૂપિયા એંસી લાખ જેટલી માતબર રકમના ખર્ચે બનાવવામાં આવેલો સ્વિમિંગ પુલ હજુ સુધી ખુલ્લો મુકવામાં આવ્યો નથી. હાલ અહીં લટકતા તાળા જોવા મળ્યા છે. ભર ઉનાળે સ્વિમિંગ પુલ લોકો માટે ખુલ્લો મુકવાના બદલે તે બંધ હાલતમાં છે. !! ત્યારે કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા શહેરીજનોને આ સ્વિમિંગ પુલની સુવિધા પ્રાપ્ત ન થતાં લાખોના રૂપિયાના ખર્ચે બનાવેલો સ્વિમિંગ પુલ છેલ્લા છએક માસથી ધુળ ખાતો નજરે પડી રહ્યો છે.


વર્ષ 2020-21 ના સમયગાળા દરમિયાન ખંભાળિયા નગરપાલિકાને સાંપળેલી ચોક્કસ ગ્રાન્ટમાંથી આ સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવેમ્બર 2023 માં સંપૂર્ણપણે નિર્માણ પામેલા આ સ્વિમિંગ પૂલ માટે નગરપાલિકા દ્વારા સંચાલન અર્થે એજન્સીની નિમણૂક કરવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ એકપણ આસામીએ આ ટેન્ડર ભર્યું ન હતું. ત્યાર બાદ હાથ ધરાયેલા બીજા પ્રયાસમાં માત્ર એક જ ટેન્ડર આવતા આ પ્રક્રિયા પણ નિષ્ફળ બની રહી હતી. છેલ્લે ત્રીજા પ્રયત્નમાં કેટલાક ટેન્ડર આવ્યા છે. જે હાલ ચૂંટણી આચાર સંહિતાના કારણે ખોલવામાં આવ્યા નથી અને આગામી તારીખ 4 જૂન પછી જ્યારે આચારસંહિતા પૂર્ણ થશે ત્યારે આ ટેન્ડર ખોલી, અને સ્વિમિંગ પૂલના સંચાલન માટે એજન્સીની નિમણૂક કરાશે તેમ નગરપાલિકાના ઇજનેર એન.આર. નંદાણીયા દ્વારા જણાવાયું છે.


ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા નિર્માણ પામેલો આ સ્વિમિંગ પૂલ હાલ ધુળ ખાતો હોય, જે વહેલી તકે નગરજનો તેમજ આસપાસના વિસ્તારોના લોકોની સુવિધાનો અર્થે તાકીદે ખુલ્લો મુકવામાં આવે એવી લોકોને લાગણી અને માંગણી છે.


શહેરની મધ્યમાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સ તેમજ નવી બનેલી શાક માર્કેટ કાયદાકીય પ્રક્રિયાઓની ગુંચવણમાં હાલ વર્ષોથી ધૂળ થાય છે. ત્યારે શહેર માટે નવલું નજરાણું કહી શકાય તેવો સ્વીમીંગ પુલ લોકો માટે વહેલી તકે ખુલ્લો મુકવામાં આવશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News