lok Sabha Speaker: લોકસભા સ્પીકરને લઈને સસ્પેંસ પૂર્ણ, 26 જૂને યોજાશે ચૂંટણી

  • June 13, 2024 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ પરથી પડદો ઉંચકાયો છે. 24 અને 25 જૂને સાંસદોના શપથ બાદ 26 જૂને લોકસભા અધ્યક્ષની પણ ચૂંટણી થશે.


લોકસભા ચૂંટણી 2024ની પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. રવિવારે (09 જૂન) શપથ લીધા પછી સોમવારે (10 જૂન) તમામ મંત્રીઓના મંત્રાલયોની વહેંચણી પણ કરવામાં આવી હતી અને સરકારે તેનું કામ શરૂ કરી દીધું છે. હવે તમામની નજર લોકસભા અધ્યક્ષની ચૂંટણી પર ટકેલી છે. જેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ચૂંટણી 26 જૂને યોજાશે.


રાષ્ટ્રપતિ 27મીએ સંસદના બંને ગૃહોને સંબોધશે. એ જ દિવસે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિનું સંબોધન થશે. એટલે કે આ પહેલા તમામ નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોને શપથ લેવડાવવાની સાથે નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. 24 અને 25 જૂને પ્રોટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવશે.


લોકસભા અધ્યક્ષનું પદ કોણ સંભાળશે?

ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા અધ્યક્ષ પદ પોતાની પાસે રાખવા જઈ રહી છે. મતલબ કે 18મી લોકસભામાં પણ ભાજપના સાંસદ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાશે. મીડિયાના અહેવાલોને નકારી કાઢતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકસભા અધ્યક્ષ પદ માટે કોઈ સહયોગી તરફથી કોઈ માંગ આવી નથી. ભાજપ ટૂંક સમયમાં પાર્ટી સ્તરે આ અંગે વિચાર કરશે અને પાર્ટી નામ પર નિર્ણય લેશે તે પછી એનડીએના સહયોગીઓ સાથે ચર્ચા કરીને તે નામ પર સર્વસંમતિ બનાવવામાં આવશે.


મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપના લોકસભા સાંસદ સુમિત્રા મહાજન અને બીજા કાર્યકાળમાં રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. પરંતુ આ વખતે ત્રીજી ટર્મમાં ભાજપ પાસે 2014 અને 2019ની જેમ લોકસભામાં બહુમતી નથી, તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે TDP લોકસભાના અધ્યક્ષ પદની માંગ કરી રહી છે. ઘણી જગ્યાએ તો JDU દ્વારા લોકસભાના સ્પીકર ચૂંટવાના સમાચાર પણ સામે આવ્યા, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ અહેવાલોને માત્ર અટકળો ગણાવીને ફગાવી દીધા હતા.


સંસદનું સત્ર 24 જૂનથી થશે શરૂ

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ લોકસભાના નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થશે. ભાજપ સૌપ્રથમ પાર્ટી સ્તરે લોકસભાના ભાવિ અધ્યક્ષનું નામ નક્કી કરશે, ત્યાર બાદ સાથી પક્ષો સાથે નામ પર ચર્ચા કરવામાં આવશે. જો સાથી પક્ષ તરફથી કોઈ સૂચન કે માંગ આવશે તો ભાજપ નવા ફોર્મ્યુલા પર વિચાર કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application