અગ્નિકાંડના મુખ્ય આરોપી સાગઠિયાની જામીન અરજીનો સંભવત: સાંજે ચુકાદો

  • October 14, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભડથું થયા મામલે કુલ 15 આરોપી પૈકી અગાઉ પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ મુખ્ય આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજીમાં આજે થયેલી સુનાવણીમાં આજે અદાલતમાં બંને પક્ષો વચ્ચે જોરદાર દલીલો પૂરી થતાં સંભવત: સાંજે ચુકાદો જાહેર થશે તેમ મનાય છે.
રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયાની જામીન અરજીન તારીખ 10 મીએ સુનાવણીના દિવસે ન્યાયાધીશ રજા ઉપર હોવાને કારણે આજે તારીખ 14 મીની મુદત પડી હતી, જે મુજબ આજે અરજીના વિરોધમાં ગોજારા અગ્નિકાંડમાં પુત્ર રાજભા (ઉ.વ. 15) સહિત પાંચ આપ્તજનો ગુમાવનાર પ્રદિપસિંહ રણજીતસિંહ ચૌહાણ વતી વકીલોએ મનસુખ સાગઠીયાની જામીન અરજી સામે જોરદાર લેખિત અને મૌખિક વાંધા રજૂ કયર્િ હતા. જેમાં જણાવ્યું હતું કે, આ ગંભીર દુર્ઘટનામાં પ્રદિપસિંહના પુત્ર સહિતના પાંચ આપ્તજનો વગેરે 27 લોકોનો ભોગ લેવાયો હોય, તેમાં મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાની મુખ્ય બેદરકારી અને સાંઠગાંઠ કારણભૂત છે, તેમાં આરોપી સાગઠીયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉથી જ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, એફઆઇઆરમાં તેનું નામ છે. નાનામવા વિસ્તારમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો, તે ગેમ ઝોન ઉપર ગેરકાયદે બાંધકામ સહિતના જુદા જુદા બાંધકામ કાનૂનભંગમાં આરોપી મનસુખ સાગઠીયાએ આંખ આડા કાન કરતા આ અગ્નિકાંડ સર્જાયો હતો, આ ઉપરાંત બનાવવાળી રહેણાક હેતુની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થયો હોય, તે બાબતે પગલા લેવાને બદલે ગેમ ઝોન ચાલુ રહેવા દઈને ગંભીર ગુનો આચર્યો હોવાનું જણાવાયું હતું. અગ્નિકાંડની 27નો ભોગ લેનારી ભયંકર દુર્ઘટનાના માનવ સર્જિત નરસંહારના અતિ ગંભીર કૃત્યમાં મનસુખ સાગઠીયાની અગ્ર ભૂમિકા છે. આવા આરોપીના જામીન મંજૂર કરવા ન જોઈએ, તે મતલબની જોરદાર દલીલો કરી હતી.
આજે સવારે બંને પક્ષના વકીલો વચ્ચે જોરદાર દલીલો રિસેષ પહેલા થઈ હતી. જેનો ચુકાદો સંભવત: રિસેષ પૂરી થયા બાદ જાહેર થશે તેમ મનાય છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application