દરેડ પાસેની રંગમતી નદીમાં હજારો માછલાના મોત થતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના નમુના લીધા

  • November 08, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માછલાઓના મૃત્યુથી જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ: આસપાસના વિસ્તારના ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પાણીના કારણે માછલાઓના મૃત્યુ થઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

જામનગર શહેરની ભાગોળે આવેલી દરેડ ગામની રંગમતી નદીમાં સંખ્યાબંધ માછલાઓ મરી જવાની ઘટના સામે આવતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હરકતમાં આવ્યું હતું. આ ઘટનાના પગલે પ્રાદેશિક અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પાણીના નમુના લેવામાં આવ્યા હતા. ઉદ્યોગિક વિસ્તારમાંથી પસાર થતી નદીમાં કયા કારણોસર માછલા મરી ગયા છે, તેનું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ સંખ્યાબંધ માછલીઓના મૃત્યુના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
જીઆઇડીસી સામે આવેલા નદીમાં જથ્થાબંધ માછલાંઓ મરી જવાનો મામલો
જામનગર શહેરના લાલપુર રોડ પર આવેલી દરેડ ગામની રંગમતી નદીમાં સંખ્યાબંધ માછલાઓ મૃત્યુ પામ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હરકતમાં આવ્યું હતું શહેરની જી.પી.સી.બી. કચેરીના પ્રાદેશિક અધિકારી કલ્પનાબેન પરમાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દરેડ ગામે આવલા ખોડીયાર મંદિર પાછળના રંગમતી નદીના ભાગે વ્યાપક માછલાઓ મરેલા નજરે પડ્યા હતા. જીપીસીબી ની ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જે સ્થળે માછલાઓ મરેલા મળી આવ્યા હતા, ત્યાંથી જુદા જુદા ત્રણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે.
જીપીસીબીના પ્રાદેશિક અધિકારી કલ્પનાબેન પરમાર ના જણાવ્યા અનુસાર હાલ તો માછલીઓના મૃત્યુ અંગે ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ જે પાણીના નમૂના લેવામાં આવ્યા છે. તે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, અને આ પાણીનો એક સપ્તાહ બાદ રિપોર્ટ આવ્યા બાદ માછલાંઓના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. બીજી તરફ સ્થાનિકોના કથન મુજબ રંગમતી નદીમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કારખાનાઓમાંથી પાણી છોડવામાં આવે છે. કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીના કારણે માછલીઓના મૃત્યુ થયા હોવાની સ્થાનિક ગ્રામજનોએ ફરિયાદો કરી હતી. જો કે  આ આક્ષેપમાં કેટલો દમ છે? તે પાણીના નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application