પોલીસ ચોકીમાં આવી કહ્યું હું થોરાળાનો ડોન,આજે બધાને પુરા કરી નાખવાનો છું

  • January 31, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં લુખ્ખા અને માથાભારે તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેમ છાશવારે કાયદો હાથમાં લઇ નિર્દોષ નાગરિકોને રંજાડી રહ્યા છે. પરંતુ તેમ છતાં પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરવામાં વામણી પુરવાર થઈ રહી છે. જેના લીધે આવા શખસોની હિંમતમાં વધારો થાય છે અને હવે આનો પરચો ખુદ પોલીસને પણ મળી રહ્યો હોય તેવી ઘટના રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારમાં બનવા પામી હતી. અહીં ગુંદાવાડી પોલીસ ચોકીમાં એક શખસે ધસી આવી મહિલા હેડ હેડ કોન્સ્ટેબલને કહ્યું હતું કે, હું ગૌરવ નવા થોરાળાનો ડોન છું આજે બધાને પૂરા કરી નાખવાનો છું. તેમ કહી બેફામ ગાળાગાળી કરી હતી અને ચોકીની અંદર રહેલી ખુરશી તથા કબાટમાં માથા પછાડી ધમાલ મચાવી હતી. પોલીસ સ્ટાફની હાજરીમાં જ મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આ અંગે તુરંત આ શખસને ઝડપી લઇ તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં કટારીયા ચોકડી પાસે રંગોલી પાર્કમાં રહેતા અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર તોરલબેન નવીનચંદ્ર જોષી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવા થોરાળામાં રહેતા ગૌરવ ખીમસુરીયાનું નામ આપ્યું છે. મહિલા હેડ કોન્સ્ટેબલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ગઈકાલે બપોર બાદ ગુંદાવાડી પોલીસ ચોકીમાં પોતાની ફરજ પર હતા.
દરમિયાન સાંજના પાંચેક વાગ્યા આસપાસ આરોપી ગૌરવ અહીં ચોકીમાં ધસી આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, હું ગૌરવ નવા થોરળાનો ડોન છું અને બધાને આજે પૂરા કરી નાખવાનો છું તેમ કહી બેફામ ગાળો દેવા લાગ્યો હતો જેથી તેને ચોકીની બહાર નીકળી જવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને ચોકીની અંદર રહેલી ખુરશી તથા કબાટ સાથે જોર જોરથી માથું પછાડી પોતાની પીઠ થાબડવા લાગ્યો હતો અને બધાને ફીટ કરી દેવાની ધમકી આપી કહ્યું હતું કે હું તમને છરી મારી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ફરજ પરના પોલીસ અધિકારી તથા કર્મચારી સાથે પણ ગેરવર્તણુક કરી ફરજમાં અડચણરૂપ બની તથા પીસીઆરના ઇન્ચાર્જનો કોલર પકડી ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી આ અંગે હેડ કોન્સ્ટેબલ તોરલ જોશીની ફરિયાદ પરથી પોલીસે આ શખસ સામે બીએનએસની કલમ 221, 351(3), 96(ખ),132 મુજબ ગુનો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આરોપી ગૌરવ ખીમસુરીયાની પુત્રી અહીં પદ્મકુવરબા હોસ્પિટલમાં દાખલ હોય તે સાંજના હોસ્પિટલથી બહાર નીકળી જતો હતો ત્યારે એક બાઈક ચાલક સાથે સામાન્ય અકસ્માત થયો હતો. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ સમયે ફરજ પર રહેલ પોલીસ બંનેને સમજાવવા અને ટ્રાફિક ક્લિયર કરાવવા અહીં જતા બાઇક ચાલક પોતાનું બાઈક લઇ ચાલ્યો ગયો હતો. પરંતુ ગૌરવ અહીં માથાકૂટ કરતો હોય તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં ગૌરવે ઉશ્કેરાય પોલીસ ચોકીમાં ધસી આવી આ ધમાલ મચાવી હતી. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ ડી.વાય મહંત ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application