ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, અજયભાઈ મજેઠીયા, હીનાબેન બેલાણી અને અલ્પાબેન દવે આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ મહાનગરપાલિકાની આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ને રવિવારે યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, અજયભાઈ મજેઠીયા, હીનાબેન બેલાણી અને અલ્પાબેન દવે તેમજ તેમની સાથે સિંધી સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી આત્મારામભાઈ બેલાણી તેમજ તેમના સુપુત્ર નવીનભાઈ બેલાણી આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે આજકાલ દૈનિકના મેનેજિંગ ડિરેક્ટર અને એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી તેમજ આજકાલના મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી સાથે મુક્ત મને નિખાલસ ચર્ચા કરી હતી.

આ તકે ચારેય ઉમેદવારોએ આજકાલ દૈનિક પરિવાર સાથેના વર્ષો જુના પારિવારિક સંબંધોના સંભારણા વાગોળ્યા હતા. આ તકે વોર્ડ નં.૩ના ભાજપના ચારેય ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજેતા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલ વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જનસંઘ વખતથી જ જંક્શન વોર્ડનં.૩ની જનતા ભાજપ સાથે છે.

કેસરી હિન્દ પુલ બેડી નાકાથી શરૂ કરીને છેક માધાપર ગામતળ સુધીનો વિશાળ વિસ્તાર ધરાવતા વોર્ડ નં.૩માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભાજપના શાસનમાં રૂ.૩૪૦ કરોડથી વધુ રકમના વિકાસકામો થયા છે. કોમ્યુનિટી હોલ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, બ્રિજ સહિતના વિકાસકામો તેમજ નળ, ગટર, લાઇટ સફાઈ, પાણી, રોડ રસ્તા, પેવિંગ બ્લોક સહિતના અસંખ્ય વિકાસકામો સાકાર કરીને આ વોર્ડને વિકસિત બનાવ્યો છે. નરેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જંકશન સ્ટેશન રોડ સહિતના વિસ્તારોને સમગ્ર શહેરમાં સ્વચ્છતામાં નં. ૧ બનાવવામાં આવશે. દેશમાં સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર છે અને જંક્શન વિસ્તાર સહિત સમગ્ર વોર્ડ નં ૩ની કાયાપલટ કરીને ઇન્દોર જેવો બનાવવામાં આવશે.