ઈ.સ.૧૯૬૫માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં ઈજાગ્રસ્ત બનેલા મણીલાલભાઈ અકવાલિયાનો જુસ્સો ૮૧ વર્ષની વયે પણ અકબંધ

  • August 18, 2023 12:13 PM 

ઈ.સ.૧૯૬૫માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં ઈજાગ્રસ્ત બનેલા મણીલાલભાઈ અકવાલિયાનો જુસ્સો ૮૧ વર્ષની વયે પણ અકબંધ

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’, શી અહો સુખની ઘડી, એની આંખ લાલમલાલ, છાતીમાં છોળો છલકાઈ પડી.... રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિઓને સાર્થક કરતા ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે બલિદાન આપનાર શહીદોને ખરાં અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં “મારી માટી, મારો દેશ : માટીને નમન, વીરોને વંદન” અભિયાન કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના નવી મેંગણી ગ્રામ પંચાયત દ્વારા સન્માનિત તેમજ ઈ.સ. ૧૯૬૫માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં યોગદાન આપનાર મણીલાલ ગોપાલજી અકવાલિયાના અનુભવ વિશે વાત કરીએ.


મણીલાલભાઈ અકવાલિયા તા.૧૪ ડીસેમ્બર, ૧૯૬૨ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં સૈન્યમાં ડ્રાઈવર તરીકે નિમણુક પામ્યા હતા. ત્યાં ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ લીધી હતી. ઈ.સ. ૧૯૬૫માં પાકિસ્તાન વાયુસેનાએ ભારત દેશ પર હુમલો કર્યો ત્યારે લાહોર સેક્ટરમાં બોમ્બ ધડાકો થતા, બોથડ પદાર્થ હેલ્મેટમાં અથડાતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેઓ પોતાની કામગીરીમાં એટલા ઓતપ્રોત હતા કે મણીલાલભાઈને અન્ય વ્યક્તિએ જણાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેમના માથાનો ભાગ લોહિયાળ બની ગયો હતો. તેમને બેભાનાવસ્થામાં સૌ પ્રથમ અમૃતસર મીલીટરી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં સારવાર મેળવ્યા બાદ જલંધર અને ત્યાંથી દહેરાદુન રીફર કરાયા બાદ લખનૌ સેન્ટ્રલ કમાન્ડ હોસ્પિટલમાં તેમનો ઈલાજ કરાવાયો હતો. 
    

મણીલાલભાઈ ઈજાગ્રસ્ત બન્યા ત્યારે તેમની વય ૨૪ વર્ષની હતી. માથામાં ઊંડો ઘાવ લાગવાથી છ મહિના સુધી ડ્રાઈવીંગની મનાઈ કરાતા તેમણે સિક્કીમમાં આર્મીમાં સુથારી કામ માટે કાર્પેન્ટર તરીકે નોકરી કરી હતી. તેઓ સૈન્યમાં છ વર્ષ ફરજ નિભાવીને ૧૯ ઓક્ટોબર, ૧૯૬૮ના રોજ નિવૃત થયા હતા. નિવૃત્તિ બાદ કસ્ટમ વિભાગમાં સિપાહી તરીકે અને ઈ.સ. ૧૯૮૧માં રાજકોટ મહાનગરપાલિકામાં વિજીલીન્સ શાખામાં જમાદાર તરીકે નિવૃત્ત થયા હતા.

    
નિવૃત્તિ બાદ પણ સતત પ્રવૃત્ત રહેલા મણીલાલભાઈ અકવાલિયાનો જુસ્સો ૮૧ વર્ષની જૈફ વયે આજે પણ અકબંધ છે. તેઓ રાજકોટમાં ધર્મપત્ની ગોમતીબેન સાથે રહે છે. પિતાએ સૈન્યમાં ફરજ નિભાવી હોવાથી તેમના સંતાનોને પણ અભ્યાસમાં સરકારી લાભ મળ્યા છે. એટલું જ નહીં, તેમને કોટડાસાંગાણી ખાતે સાંથણીની ૧૩ એકર જમીનની સહાય પણ સરકાર તરફથી આપવામાં આવી હતી. તેમજ અગાઉ રૂ. ૦૯ હજાર પેન્શન મળતું હતું. 'વન રેન્ક, વન પેન્શન' યોજના અમલી બનતા રૂ. ૦૫ લાખ એરીયર્સ અને હાલમાં રૂ. ૨૭ હજાર પેન્શન મળે છે. તેમને સરકાર તરફથી 'રક્ષા મેડલ - ૧૯૬૫' અને 'સૈન્ય સેવા મેડલ વિથ ક્લેસ્પ હિમાલય' પ્રાપ્ત થયા છે. જે બદલ તેમણે કેન્દ્ર સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
    

મણીલાલભાઈ નાગરિકોને ઉત્સાહભેર દેશભક્તિનો સંદેશો આપતા જણાવે છે કે 'મારી માટી, મારો દેશ' અભિયાન નવી પેઢીમાં દેશભક્તિ જગાડનાર અને પ્રેરણાદાયક છે. તેમજ યુવાનો માટે દેશનું ઋણ ચૂકવવાનો અવસર છે. ત્યારે યુવા પેઢીએ પણ દેશ માટે કંઇક કરી છૂટવાની અને માતૃભૂમિ માટે આદરની ભાવના રાખવી જોઈએ. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે સૈનિકોના હિત માટે અનેક યોજના અમલી બનાવી છે. અને હજુ પણ સરકાર અમારા માટે ઘણું કરી રહી છે. મારી જીવનસફરમાં પરિવારનો પણ પૂરતો સાથ-સહકાર સતત મળતો રહ્યો છે. જે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application