સિકોતેર મંદિરના કમ્પાઉન્ડમાં ગટરના પાણી પ્રશ્ર્ને તંત્રની બેદરકારી યથાવત

  • August 21, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર શહેરભરના ગટરના પાણી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઉભરાયને તેની બરાબર સામે આવેલા મંદિરના પટાંગણમાં, ગૌશાળામાં અને અન્નક્ષેત્ર સુધી ઘુસી જાય છે અને તે અંગે ભુતકાળમાં દોઢ વર્ષમાં અનેક વખત પાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યુ હોવા છતાં આ પ્રશ્ર્નનું કાયમી નિરાકરણ આવ્યુ નથી તેથી સ્વાભાવિક રીતે નગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આક્રોશ વધી રહ્યો છે ત્યારે તંત્રએ માત્ર વ્યવસ્થિત પ્રોજેકટ ઘડવામાં આવશે તેવા લુખ્ખા આશ્ર્વાસન આપ્યા છે પરંતુ વર્તમાન પરિસ્થિતિના નિરાકરણ માટે પગલા લીધા નથી. કોન્ટ્રાકટર એજન્સીની બેદરકારી સામે આવતા એજન્સીના અધિકારીઓ પણ પોરબંદર દોડી આવ્યા હતા અને તેમના આગમન સમયે જ વાલ્વ લીકેજ થતા ફરીથી પાણી રોડ ઉપર વહીને મંદિર સંકુલમાં પહોંચ્યા હતા ત્યારે તેના કાયમી નિરાકરણ માટે વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરના ઇન્દિરાનગરથી ઓડદર તરફ જતા રસ્તે રાજવી પાર્ટીપ્લોટ નજીક નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષો પહેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો અને તેમાં શહેરભરની ગટરના ગંદા પાણીનું શુધ્ધિકરણ થાય છે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય તેવું સામે આવ્યુ છે જેમાં આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અવારનવાર ગટરના ગંદા પાણી ઉભરાઇને રોડ ક્રોસ કરી સામે આવેલ પ્રાચીન સિકોતેર માતાજીના મંદિરના પટાંગણમાં ઘુસી જાય છે.દોઢ વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ભુતકાળમાં પણ નગરપાલિકાના શાસકોનું ધ્યાન આગેવાનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા દોરવામાં આવ્યુ હતુ અને એ સમયે પણ ફરીથી આવુ નહી થાય તેની ખાત્રી અપાઇ હતી પરંતુ  એ પરિસ્થિતિમાં કોઇ જ ફેર પડયો નથી અને અવારનવાર ગટરના પાણી મંદિરમાં પહોંચી જાય છે. આ ગંદાપાણી મંદિર પટાંગણ અને ગૌશાળા સહિત અન્નક્ષેત્ર સુધી ફરી વળ્યા હતા જેના કારણે ગૌધનને રહેવામાં અને ભકતોને મંદિરે દર્શને આવવામાં ખુબજ પરેશાનીનો સામનો કરવો પડતો હતો. 
પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીનું આ મુદે રાજપુત સમાજના પ્રમુખ અને અગ્રણી રાજભા જેઠવા દ્વારા ધ્યાન દોરીને ‚બ‚ ત્યાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરાવીને મંદિરમાં ભકતો ઉપરાંત વ્યવસ્થા સંભાળતા મહંત અને માતાજીને વેઠવી પડતી પરેશાની અંગે વિસ્તૃત રીતે માહિતી આપી હતી અને એ સમયે પણ એન્જીનીયરીંગ વિભાગને જાણ કરીને યોગ્ય કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ દ્વારા જણાવાયુ હતુ. પરંતુ હજુ સુધી માત્ર લુખ્ખા આશ્ર્વાસનો અપાયા છે. નક્કર પ્રોજેકટ હાથ ધરાશે તેવું જણાવી દેવાયુ છે પણ તે અંગેની લાંબાગાળાની કામગીરી થાય ત્યાં સુધી કામચલાઉ રીતે તેનું નિરાકરણ લાવવા માટે તંત્ર નિષ્ફળ નીવડયુ છે.
મંદિરના મહંતની ફરીયાદ ઉઠતા અમદાવાદથી પણ કોન્ટ્રાકટર એજન્સીના અધિકારીઓ પોરબંદર દોડી આવ્યા હતા અને તેઓએ ફરી વખત આવુ થાય નહી તે માટે તેમના  કર્મચારીઓને સૂચના આપી હતી અને ગટરના પાણી વહીને મંદિરમાં ઘુસે નહી તે માટે યોગ્ય કરવા જણાવ્યુ હતુ પરંતુ તેઓ જ્યારે પોરબંદર આવ્યા તે સમયે જ વાલ્વ લીકેજ થયો હતો અને અધિકારીઓએ પણ નજરોનજર એ પરિસ્થિતિને નિહાળી હતી તેથી હવે આ મુદાનું કાયમી નિરાકરણ આવે તે પ્રકારની  માંગણી વધુ એક વખત ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application