મુંબઈના પીઆઈ વતી રાજકોટમાં ૧૦ લાખની લાંચ લેનાર વચેટિયાના રિમાન્ડ મેળવાશે

  • September 07, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં મુંબઈના માટુંગા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર દીગંબર એ. પાગર વતી ૧૦ લાખ રૂપિયાની લાંચ લેનાર રાજકોટમાં રહેતા અને એકાઉન્ટન્ટનું કામ કરતા જેવિન નાનજીભાઈ સાવલીયાને ગઈકાલે રાજકોટ એસીબીએ રંગેહાથ દબોચી લીધો હતો. એકાઉન્ટન્ટ જયમીન જીએસટી કામ કે આવા કામોની પતાવટ કરતો હોવાની સેખી ચલાવતો હોવાથી અન્ય કોઈના આવા સેટીંગ પાર પાડયા છે કે કેમ ? મુંબઈના પીઆઈ સાથે સંપર્ક કઈ રીતે બંધાયા ? તે સહિતના મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવવા એસીબી ટીમે તજવીજ હાથ ધરી છે.
એસીબીના વર્તુળોમાંથી પ્રા માહિતી મુજબ રાજકોટમાં રહેતા વ્યકિતને મુંબઈ માટુંગા પોલીસ મથકમાંથી ત્યાંના આઈટી એકટ છેતરપીંડી સહિતના ગુના હેઠળના એક કેસમાં નિવેદન નોંધાવવા આવવા માટેની નોટીસ મળી હતી. નોટીસ આપનાર પીઆઈ દિગંબર પાગરે તેના રાજકોટના વચેટીયા કે જાણીતા જેવિનને નોટીસ સંદર્ભે જાણ થઈ હશે.
મુંબઈ પીઆઈના રાજકોટ સ્થિત વહીવટદાર જેવિન સાવલીયાએ નોટીસ જેને મળી એ વ્યકિતનો સંપર્ક સાધ્યો હતો અને પતાવટ થઈ જશે વહીવટ થશે તેમ કહી પીઆઈ તથા બન્ને વચ્ચેની ગોઠવણ મુજબ ૨૦ લાખ રૂપિયાની લાંચ મંગાઈ હતી. આવડો મોટો ફીગર સાંભળી ફરિયાદી આંચકો પામ્યો હતો અને અંતે ૧૦ લાખમાં ગોઠવણ થઈ હતી. ફરિયાદીને લાંચ આપવી ન હતી જેથી રાજકોટ એસીબી કચેરીએ ઈન્ચાર્જ ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલનો સંપર્ક સાધ્યો હતો.
મદદનીશ નિયામક ગોહીલે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જામનગર એસીબીના પીઆઈ આર.એન.વિરાણીને સુચીત કરીને ટ્રેપ ગોઠવણ મુજબ જેવિનને ગઈકાલે લાંચ લેવા માટે રેસકોર્ષ રીંગરોડ પર એક ચાની હાઈફાઈ દુકાન પર બોલાવાયો હતો. જયાં ૧૦ લાખની રકમ ફરિયાદીએ આપી અને નાણાં મળી ગયા સંદર્ભે પીઆઈ દિગંબર પાગર સાથે વાતચીત થઈ જાળ બિછાવીને બેેઠેલી એસીબી ટીમ ત્રાટકી હતી અને જેવિનને ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application