માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પ્રેમી યુગલ રાજકોટના બાલાશ્રમમાં મોટું થયું, લગ્ન કરી જિંદગીની નવી ઇનિંગ શરૂ કરી, જાણો સંઘર્ષભરી પ્રેમ કહાની

  • February 14, 2025 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે 14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ. પણ આજે અમે વાત કરીશું સાચા પ્રેમની એવા પ્રેમીની કે નાનપણમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી. બાલાશ્રમમાં રહી અભ્યાસ કર્યો. નાનપણ પણ સાથે વિતાવ્યું અને હવે જિંદગી પણ જીવન-મરણ સુધી સાથ નિભાવવા નક્કી કર્યું. આ વાત છે શીતલ અને મહેશની જે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં રહ્યા અને એકબીજા સાથે રહ્યા. ઉચ્ચ અભ્યાસ પણ કર્યો. હવે આ બંનેએ 26 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડીને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.


રાજકોટનું બાલાશ્રમ આશ્રયસ્થાન બન્યું
બાળપણથી જ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર શીતલ અને મહેશની કહાની ખૂબ જ કરૂણ છે. શીતલે નાનપણમાં માતાને ગુમાવી અને પિતાનું માનસિક સંતુલન બગડી જતા ભાઈ વિવેકને સાચવવાની પણ જવાબદારી આવી. શીતલ અને વિવેક જસદણ નજીકના એક ગામડામાં જન્મ્યા હતાં. માતાને ગુમાવ્યા બાદ વિવેક અને શિતલનું ધ્યાન તેમના દાદા-દાદી રાખ્યું. પણ દાદા-દાદી ગયા બાદ રાજકોટનું બાલાશ્રમ તેમનું આશ્રયસ્થાન બન્યું છે. શીતલના પતિ મહેશની વાત કરીએ તો મહેશ ત્રણ વર્ષનો હતો ત્યારે તેમણે માતા-પિતાને ગુમાવ્યા અને મહેશનું ધ્યાન તેની બહેને રાખ્યું. બંને ભાઈ-બહેન પોતાનું પેટ ભરવા માટે કેટર્સની નોકરી કરતા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીની નજર આ ભાઈ-બહેન પર પડી તો તેમણે તેઓ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં લાવ્યા અને તેને આશ્રય આપ્યો.


ત્રણેયે સમાજમાં એક અલગ ઓળખ બનાવી
એટલે નાનપણથી જ શીતલ અને વિવેકનું ઘર કાઠિયાવાડ બાલાશ્રમ બની ગયું. આ સંસ્થાએ જ શીતલ, મહેશ અને વિવેકને ભણાવ્યા. આજે આ ત્રણેયે સમાજમાં એક અલગ ઓળખ બનાવી છે. શીતલ અને મહેશે જિંદગીની આ સફર બાલાશ્રમથી ગૃહસ્થાશ્રમ સુધી પહોંચી ગઈ. શીતલ અને મહેશે 26મી જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડીને એકબીજાના થઈ ગયાં છે અને પોતાની જિંદગીની નવી શરૂઆત કરી છે.


શીતલનો ભાઈ બેંકમાં નોકરી કરે છે 
શીતલનો ભાઈ વિવેક અત્યારે બેંકમાં નોકરી કરે છે અને સાથે સાથે MBAનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે મહેશ UPSCની તૈયારી કરી રહ્યો છે. શીતલે પોતાની સંઘર્ષની કહાની વિશે વાત કરતા કહ્યું કે, તેમને જસાણી સ્કૂલમાંથી અભ્યાસ કરીને રાજકોટની ભાલોડિયા અને કણસાગરા કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમએસડબલ્યુની ડીગ્રી મેળવ્યા પછી ગ્રુપ કાઠિયાવાડ બાલાશ્રમમાં જ તેને ગૃહમાતા તરીકે જોબ કરી હતી. સરકારના કેટલાક નિયમો મુજબ બાલાશ્રમમાં રહેતા બાળકો જ્યારે મોટા થાય તેમને પોતાની રીતે વ્યવસ્થા કરવાની હોય છે. જેથી શીતલ, મહેશ અને વિવેકે અનેક કપરી પરિસ્થિતિનો સામનો કરીને આજે તેઓ પોતાના પગભર થયા છે.


મહેશનું જીવન પણ ઘણું સંઘર્ષમય રહ્યું
મહેશનું જીવન પણ ઘણું સંઘર્ષમય રહ્યું છે. શરૂઆતમાં તેમને ભણવામાં મન લાગતું ન હતું. પણ જીવનમાં કંઈક કરવુ હતું એટલે ભણવું જરૂરી હતું. ભણવાની સાથે સાથે મહેશ છાપા નાખવાનું કામ કરતો અને વધુ અભ્યાસ માટે તેમને સુરતમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું. મહેશને લોકોની સેવા કરવી હતી એટલે તેણે પોલીસ ભરતીની તૈયારી શરૂ કરી અને પોલીસની ભરતીની પરીક્ષા પાસ કરીને હથિયારધારી કોન્સ્ટેબલ તરીકે સિલેક્શન થતાં હાલમાં રાજકોટ પોલીસમાં ઘંટેશ્વર ખાતે તેમનું પોસ્ટિંગ છે.


મહેશ પાસે સરકારી નોકરી અને ઘરનું ઘર
અત્યારે મહેશ પાસે સરકારી નોકરી અને ઘરનું ઘર પણ છે અને હવે શીતલ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા બાદ તેનો નવો પરિવાર પણ બની ગયો છે. મહેશ અને શીતલને એક પરિવાર બનાવવા પાછળ સંસ્થાના મોભી સી.એમ. પટેલનો મોટો હાથ છે. કારણ કે તેમને આ બંને બાળકોને પોતાની નજર સામે મોટા થતાં જોયા હતા અને તેઓ બંનના સ્વભાવ અને સંસ્કાર જાણતા હતા. એટલે આ બંનેના જીવસાથી બીજા અન્ય કોઈ બને  તેના કરતાં બંને એક જ કસ્તીમાંથી પસાર થયા હોવાથી એકબીજાના દુઃખને સારી રીતે સમજી શકે અને સુખી સંસારનો માળો બનાવી શકે એવી ભાવના સાથે બંનેને ઓળખાણ કરાવી અને પરિવારના અન્ય વડીલોને મળી તેમની મંજૂરીથી બંનેનું સગપણ નક્કી થયું અને આજે તેઓ એકબીજાના જીવનસાથી બની ગયાં છે. શીતલ અને મહેશ બંને પોતાની આવકમાંથી બચત કરી સેવાભાવી તક્ષ મિશ્રાના એનજીઓમાં સેવા આપે છે અને બાળકોને શિક્ષિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application