મોટો ખુલાસોઃ આગનો ભોગ બનનાર જે. કે. કોટેજ ફેક્ટરી મંજૂરી વગર જ ચાલતી હતી

  • April 02, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર) ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરી જે. કે. કોટેજમાં આગ લાગી હતી. જેમાં હવે મોટો ખુલાસો થયો છે. આ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી રૂડા અને જીપીસીબીની મંજૂરી વિના ધમધમી રહી હતી.


તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ અપાઈ નથી
મળતી માહિતી મુજબ, જે. કે. કોટેજ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી રૂડા (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી)ની મંજૂરી વિના ધમધમી રહી હતી. ફેક્ટરીના માલિક દ્વારાગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(જીપીસીબી )ની પણ મંજૂરી લેવામાં આવી ન હતી. આ સિવાય ફેક્ટરી પાસે ફાયર એનઓસીપણ ન હતું. તેમ છતાં અનેક વર્ષોથી તંત્રની બેદરકારીના કારણે આ ફેક્ટરી ધમધમી રહી છે. હજુ તંત્ર ટીઆરપી આગકાંડના પીડિતોને ન્યાય નથી અપાવી શક્યું ત્યાં ફરી એકવાર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. આ મામલે ફેક્ટરીના માલિકે જણાવ્યું કે, જ્યારે બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે અમને જીપીસીબી અને રૂડાની મંજૂરી લેવી પડશે કે કેમ તે વિશે કોઈ માહિતી નહતી. તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ અપાઈ નથી.


તંત્ર આવો મોતનો તમાશો જોતું રહેશે?
હાલ, આ મામલે કુવાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વીડિયોગ્રાફી દ્વારા સમગ્ર પુરાવા એકઠા કરી રહી છે. હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, ક્યાં સુધી તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી ઊંઘતી રહેશે? ડીસામાં પણ આ જ પ્રકારે ગેરકાયદે ફેક્ટરીના કારણે 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે. ત્યારે હજું ક્યાં સુધી તંત્ર આવો મોતનો તમાશો જોતું રહેશે?


કારખાના સામે વંડામાં રાખેલ ગાયોને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી
મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ દિપન નડીયાપરાની માલિકીના જે. કે .કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નામના કારકાનામાં આગ લાગ્યાનો કોલ મળતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગે ક્ષણવારમાં જ એટલી વિકરાળ રૂપ લઈ લીધું હતું કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ-સાત કિ.મી. દૂર માધાપર ચોક, ગોંડલ ચોકથી દેખાતા હતા. આગ કેસ્ટર ઓઇલમાં લાગી હતી અને સાબુ બનાવવાના કેમિકલ ઉપરાંત પાઇન ઓઇલ, ફ્લેગનન્સી સુગંધી કેમિકલથી આગ ચોતરફ ફેલાવા લાગી હતી. આગથી સળગેલા કેમિકલ ભરેલા કેરબા ધડાકાભેર ફાટ્યા હતા અને રસ્તા પર જ્યાં આ કેમિકલ ઢોળાયું ત્યાં પણ આગના લપકારા નજરે પડતાં આજુબાજુના વિસ્તારમાં ભય સાથે નાસભાગ મચી હતી. કારખાના સામે વંડામાં રાખેલ ગાયોને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application