BREAKING NEWS

બાળકોમાં જીવલેણ વાયરસનો કાળો કેરઃ ગુજરાતના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને સરકારે આપી આ સૂચના

  • July 13, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.


આરોગ્ય મંત્રી પાનશેરીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિંગની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. કુલ ૨૭ શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી ૧૯ નમૂનાના પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જેમાંથી ૭ પોઝિટિવ અને ૧૨ નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકી રહેલા ૮ નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું બાકી છે, જે આજે સાંજ સુધીમાં આવી જશે. 


ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે કુલ ત્રણ પોઝિટિવ બાળકોના દુઃખદ મૃત્યુ થયા છે, જે અંગે મંત્રીએ બેઠકમાં દુ:ખ વ્યક્ત કરીને હવે રાજ્યમાં એકપણ બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ ન થાય તે અંગે સઘન કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરી હતી. 


આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMAની મદદ લઈને રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાઇડલાઇન જાહેર કરી ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા જણાવાયું છે. નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે, જો આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદ સમય બગાડ્યા વિના બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં તુરંત જ દાખલ કરવામાં આવે, જેથી બાળકની કિંમતી જિંદગી બચાવી શકાય.

આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં રાજ્યના જે ૬૧ સ્થળો પરથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, તે તમામ સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવાનો છંટકાવ અને લોકજાગૃતિના કાર્યક્રમો યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. જૂના આ ૬૧ સ્થળોમાંથી એક પણ જગ્યાએ નવો કેસ રિપીટ થયો નથી. જે નવા વિસ્તારોમાં દર્દીઓ મળી આવ્યા છે, ત્યાં પણ પ્રશાસન દ્વારા તુરંત જ ફોગિંગ, સેન્ડફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. વાયરસના ફેલાવાને રોકવા માટે રાજ્યના નાનામાં નાના આરોગ્ય કેન્દ્ર સુધી દવાનો પૂરતો જથ્થો અને જરૂરી તબીબી પુરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.


પાનશેરીયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જો કોઈ બાળકમાં તાવ, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આ ઉપરાંત આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ આપવામાં આવ્યા છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, શહેરી આરોગ્ય કમિશનર  ડૉ. સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નિલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News