વર્ષ ૨૦૨૬ની શરૂઆતથી દસ્તાવેજોની નોંધણીમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. રાજકોટ જિલ્લાની રિયલ એસ્ટેટ માર્કેટમાં જૂન મહિનામાં ૧૪ હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે. મે મહિનાની સરખામણીએ જૂનમાં વધુ દસ્તાવેજો નોંધાયા છત્તા સરકારી ચોપડે આવકમાં રૂપિયા ૪ કરોડનું ગાબડું પડયું છે.
રાજકોટ જિલ્લામાં જૂન ૨૦૨૬ના મહિનામાં કુલ ૧૪,૦૪૧ દસ્તાવેજોની નોંધણી થઈ છે. પાછલા એટલે કે મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં ૧૦૬ જેટલા વધુ દસ્તાવેજો નોંધાયા છે છત્તા સરકારી ચોપડે આશરે ૪.૪૭ કરોડ રૂપિયાની ઓછી આવક નોંધાઈ છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દસ્તાવેજ નોંધણી સરકારને કુલ ₹૧૧,૭૫,૧૮,૭૬૭ ની રજિસ્ટ્રેશન ફી અને ₹૭૧,૬૪,૭૭,૩૪૩ ની સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ ₹૮૩,૩૯,૯૬,૧૧૦ ની આવક થઈ છે. દસ્તાવેજોની સંખ્યાની દૃષ્ટિએ રાજકોટ-૨ (મોરબી રોડ) પરની કચેરી સૌથી વ્યસ્ત રહી હતી, જ્યાં સૌથી વધુ ૧,૭૮૮ દસ્તાવેજો નોંધાયા હતા અને ₹૮.૪૮ કરોડની આવક થઈ હતી. જ્યારે સૌથી ઓછી આવક વિંછીયા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જોવા મળી હતી, જ્યાં માત્ર ૮૫ દસ્તાવેજોની નોંધણી સાથે સૌથી ઓછી ₹૧૬.૧૦ લાખની આવક થઈ છે. ગોંડલ અને જેતપુરની સ્થિતિ જોઈએ તો ગોંડલમાં ૧,૨૬૯ દસ્તાવેજો સાથે ₹૫.૩૧ કરોડ તેમજ જેતપુરમાં ૬૯૮ દસ્તાવેજો સાથે ₹૨.૬૫ કરોડની કમાણી થઈ છે. લોધિકામાં ₹૫.૯૮ કરોડ ( દસ્તાવેજ ૮૯૮) અને પડધરીમાં ₹૨.૧૦ કરોડ ( દસ્તાવેજ ૨૩૭) સરકારી ખાતામાં જમા થયા છે. કોટડાસાંગાણીમાં ₹૪.૩૨ કરોડ ( દસ્તાવેજ ૫૯૨), જસદણમાં ₹૧.૯૪ કરોડ (દસ્તાવેજ ૫૦૪), ઉપલેટામાં ₹૨.૨૬ કરોડ (દસ્તાવેજ ૪૮૦) અને ધોરાજીમાં ₹૧.૨૭ કરોડની (દસ્તાવેજ ૩૫૮) કુલ આવક નોંધાઈ છે. જ્યારે જામકંડોરણામાં ૧૪૭ દસ્તાવેજો નોંધાતા ₹૨૨ લાખની આવક થઈ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે રાજકોટ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રિયલ એસ્ટેટ અને જમીનની લે-વેચની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, જે રાજ્ય સરકાર માટે મહેસૂલી આવકનો મોટો સ્ત્રોત બની રહી છે.