જિલ્લાનો હીરા ઉદ્યોગ ફસાયો ભયંકર મંદીના વમળમાં

  • November 27, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાનો હીરા ઉદ્યોગ ઈતિહાસમાં ક્યારેય ન જોઈ એવી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. જેના કારણે હીરા ઉદ્યોગમાં પડેલું દિવાળીનું વેકેશન હજુ લાંબુ ચાલશે અને ડિસેમ્બર સુધી માર્કેટ ખુલે તેવા હાલની સ્થિતિમાં કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. 
હીરા ઉદ્યોગની મંદીની અસર રત્નકલાકારોની રોજગારીની સાથે તેમના પરિવારના ગુજરાન ઉપર વર્તાઈ રહી છે.એક સમયે દેશ અને વિદેશમાં ભાવનગર જિલ્લાની ઓળખ હીરા ઉદ્યોગથી ઉજળી હતી. પરંતુ પાછલા એક વર્ષથી હીરા ઉદ્યોગ તેની ચમક ગુમાવી બેઠો છે. જેના કારણે રત્નકલાકારો માટે દિવાળીનો સમય હોળી સમાન બની ગયો હતો. દિવાળી વેકેશન બાદ ઘણાં કારખાનેદારો-ઓફિસોમાં બેસતા વર્ષ, લાભ પાંચમના મુહૂર્ત થઈ જતા હોય છે અને સામાન્ય રીતે તુલસી વિવાહથી દેવદિવાળી સુધીમાં તો હીરા બજાર ધમધમવા લાગે છે. પરંતુ આ વર્ષે મહામંદીની લપેટમાં આવેલા હીરા ઉદ્યોગમાં હજુ સુધી દિવાળી વેકેશન ઉઘડવાના કોઈ સંકેત દેખાતા નથી. આ ઉદ્યોગ સાથે શરૂઆતથી જ સંકળાયેલા વ્યવસાયકારોનું કહેવું છે કે, ભાવનગરમાં હીરા ઉદ્યોગ શરૂ થયો ત્યારથી લઈ આજસુધી આવી મંદી જોઈ નથી. ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી ક્યારે ઉગરશે ? તેના ઉપર ઘેરાયેલા અનિશ્ચિતતાના વાદળો ક્યારે હટશે તે પણ હાલના સમયમાં કહેવું ખૂબ જ મુશ્કેલભર્યું છે. આ મંદી પાછળના મુખ્ય કારણમાં યુદ્ધ, સિન્થેટિક ડાયમંડ અને વિદેશોમાં હીરાથી ઘટતી જતી માંગ  મુખ્ય કારણ છે. અસલી હીરાની તુલનામાં નકલી હીરા ૩૦થી ૩૫ ટકા કિંમતે મળતા હોવાથી લોકો તેના તરફ વળ્યા છે. વળી, રશિયા ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધોને કારણે રફ ડાયમંડનું ઈમ્પોર્ટ થઈ શકતું નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઓછી હોવાના કારણે માલનો ભરાવો થાય છે. જેની પણ બજાર ઉપર વિપરીત અસર જોવા મળી રહી છે. હાલ તો દિવાળી વેકેશન ઓછામાં ઓછું ૧૫ દિવસ જેટલું ખેંચાશે તેવું લાગી રહ્યું છે. જેથી ડિસેમ્બર માસમાં જ હીરાના કારખાના-ઓફિસે ખુલે તેવું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application