પોરબંદર ફરી ઉદ્યોગોથી ધમધમે તે દિવસો દૂર નથી: ભાઇશ્રી

  • October 23, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર શહેર ફરી ઉદ્યોગોથી ધમધમે એ દિવસો હવે દૂર નથી અને પોરબંદર જિલ્લાનો ખૂબ સારો વિકાસ થનાર છે તેવુ રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાએ ડિસ્ટ્રીકટ ચેમ્બર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યુ હતુ. 
પૂજ્ય ભાઇશ્રીના આશીર્વચન
લોહાણા વિદ્યાર્થી ભવનના માંગલ્ય હોલ ખાતે ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સની ૨૬મી સાધારણ સભા યોજાઇ ત્યારે કાર્યક્રમની શ‚આત રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને થઇ હતી જેમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ધર્મ અને અર્થને સાથે વણીને પોતાના વકતવ્યમાં જણાવ્યુ કે એક સમય એવો હતો જ્યારે પોરબંદર વિવિધ ઉદ્યોગોથી ધમધમતુ હતુ. ફરી એકવાર પોરબંદરમાં રોનક જોવા મળી શકે તેમ છે. તેમજ આજના યુવા વર્ગને ધ્યાનમાં રાખીને તેઓએ કહ્યુ કે ભણતરની સાથે સાથે સર્વાંગી વિકાસ પણ જ‚રી  છે. ત્યારબાદ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ કે વાઇબ્રન્ટ ગુજરાતમાં થોડા સમય પહેલા તેઓ દ્વારા ‚પિયા ૧૫૦ કરોડના એમ.ઓ.યુ. થયેલા છે અને તેના ઉપરની કામગીરી નજીકના સમયમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.
ધારાસભ્યનુ ઉદ્બોધન
અર્જુનભાઇ મોઢવાડીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ કે ડિસ્ટ્રિકટ ચેમ્બરને પોરબંદરના વિકાસ અને ઉદ્યોગોના વિકાસ માટે ચિંતા રહે છે અને તે માટે સતત પ્રયત્નો કરતી રહે છે. આપણા પોરબંદરમાં ધંધા વ્યવસાય માટે ઘણી તકો ઉપલબ્ધ છે. જો તેમાં વ્યવસ્થિત રીતે ધ્યાન દઇએ તો આપણા શહેરના યુવાવર્ગને બહાર જઇને કોઇ ધંધો વ્યવસાય કરવાની તકલીફ ના લેવી પડે. તેમજ પોરબંદર શહેરના વિકાસને અવરોધતા વિવિધ પ્રશ્ર્નોનો વહેલી તકે ઉકેલ આવી જશે તેવુ પણ જણાવ્યુ હતુ. સાથોસાથ પોરબંદરના એરપોર્ટમાં સવેળા હવાઇ જવાજ શ‚ થઇ જશે એવા ખૂબજ સારા સમાચાર આપ્યા હતા. 
પ્રમુખનુ ઉદ્બોધન
ડિસ્ટ્રીકટ ચેમ્બરના  પ્રમુખ જતીનભાઇ હાથીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ડાયસ પર બિરાજમાન સર્વે મહાનુભાવો તથા ડિસ્ટ્રીકટ ચેમ્બરના આમંત્રણને માન આપ ૨૬મી વાર્ષિક સાધારણ સભામાં પધારેલા આમંત્રિત મહેમાનોને હૃદયના ઉમળકા સાથે આવકાર આપ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે અમોને હમેશા આપ સર્વે તરફથી સહકાર મળતો જ રહ્યો છે અને ભવિષ્યમાં પણ  તેવો જ સહકાર મળતો રહેશે તેવી આશા રાખુ છું. તેઓએ મળેલા સહકાર બદલ આભારની લાગણી પણ વ્યકત કરી હતી.
ડિસ્ટ્રીકટ ચેમ્બરના નવા વર્ષના હોદેદારોની વરણી
નવા વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રમુખની વરણી માટેની દરખાસ્તમાં જતીનભાઇ હાથીના નામની દરખાસ્ત પદુભાઇ રાયચુરાએ રજૂ કરી. આ દરખાસ્તને પૂર્વ પ્રમુખ અનિલભાઇ કારીયાએ ટેકો આપ્યો તે સમયે તાળીઓના ગડગડાટ સાથે સૌએ વધાવ્યા. જતીનભાઇ હાથીને પુષ્પહારથી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ નવા પ્રમુખ તરીકે આવકાર્યા બાદ જતીનભાઇ હાથીએ પોતાને પ્રમુખ તરીકે નવનિયુકત કરવા બદલ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી તથા પોતાની ટીમના સભ્યોની જાહેરાતમાં ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ ઠક્કર તથા ટી.કે.કારીયા, માનદમંત્રી તરીકે જયેશભાઇ પત્તાણી અને સહમંત્રી તરીકે કેતનભાઇ મોનાણી જ્યારે ખજાનચી તરીકે  જયેન્દ્રભાઇ લાખાણીની નિયુક્તિ કરી હતી.
યુવા ડિસ્ટ્રીકટ ચેમ્બરના નવા વર્ષના હોદ્ેદારોની વરણી
નવા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના યુવા ચેમ્બરના પ્રમુખ તરીકે સુમિતભાઇ સલેટના નામની જાહેરાત ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપપ્રમુખ મુકેશભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવી  હતી તથા નવનિયુકત યુવા પ્રમુખ ને પુષ્પહારથી ટી.કે.કારીયા એ આવકાર્યા હતા તેમજ યુવા ચેમ્બરના નવનિયુકત પ્રમુખે તેને પ્રમુખ તરીકે પસંદ કરવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો અને ડિસ્ટ્રિકટ ચેમ્બરને આગળ વધારવા પોતાનાથી થતા તમામ પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી.
મહાનુભાવોનુ સ્વાગત
આ સભાના અતિથિ વિશેષ પદે બિરાજમાન મહાનુભાવોમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું સ્વાગત અનીલભાઇ કારીયાએ પુષ્પહારથી કર્યુ. પ.પૂ.ગો. ૧૦૮ વસંતકુમાર મહારાજનુ સ્વાગત જતીનભાઇ હાથીએ કર્યુ હતુ. પ.પૂ. શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજીનુ સ્વાગત વિજયભાઇ ઉનડકટે કર્યુ. હિરલબા જાડેજાનુ પુષ્પગુચ્છથી સ્વાગત પદુભાઇ રાયચુરાએ કર્યુ હતુ. ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાનુ  સ્વાગત દિલીપભાઇ ગાજરાએ કર્યુ. ડો. ચેતનાબેન તિવારીનુ સ્વાગત કરશનભાઇ સલેટે કર્યુ હતુ. કલેકટર એસ.ડી. ધાનાણીનું સ્વાગત કરશનભાઇ ચામડીયાએ કર્યુ,  પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત  ટી.કે.કારીયાએ   કર્યુ તેમજ  ડી.ડી.ઓ કે.બી.ઠકકર નુ સ્વાગત રસીકભાઇ ભરાણીયાએ કર્યુ હતુ.
સેવાભાવીઓનુ સન્માન
કાર્યક્રમના આગળના ભાગમાં પોરબંદર શહેરના વિવિધ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યુ જેમાં ઉદ્યોગ સાહસિક સાજણભાઇ મોઢવાડીયાને સન્માનપત્ર, મોમેન્ટો અને શાલ, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, મુકેશભાઇ ઠક્કર, પ.પૂ. શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી અને કલેકટર એસ.ડી.ધાનાણી દ્વારા તેમને અર્પણ કરવામાં આવ્યા. સામાજિક સેવક  રામદવેભાઇ મોઢવાડીયા ને સન્માનપત્ર,  મોમેંટો, શાલ અને પુષ્પગુચ્છ દિવ્યેશભાઇ સોઢા, કલેકટર એસ.ડી. ધાનાણી, કલ્પેશભાઇ પલાણ તેમજ ડી.ડી.ઓ. કે.બી.ઠક્કર દ્વારા અર્પણ કરવામાં આવ્યા. સામાજિક સેવા પ્રવીણભાઇ ખોરાવાને સન્માનપત્ર, મોમેંટો શાલ અને પુષ્પગુચ્છ ટી.કે.કારીયા, પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પ.પૂ.ગો. ૧૦૮ વસંતકુમાર મહારાજશ્રી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તેમજ ડો. ચેતનાબેન તિવારી દ્વારા  અર્પણ કરવામાં આવ્યા હતા.
પ્રાસંગિક કાર્યક્રમો
ત્યારબાદ કાર્યક્રમમાં ડિસ્ટ્રિકટ ચેમ્બરના પાયાના પથ્થર એવા સભ્યોનુ મરણોત્તર સન્માન કરવામાં આવ્યુ. જેમાં સ્વ. હરીશભાઇ પલાણનુ સન્માન કલ્પેશભાઇ પલાણ દ્વારા સ્વીકારવામાં આવ્યુ. તેમને સન્માનપત્ર અને પુષ્પગુચ્છ પદુભાઇ રાયચુરા, અનિલભાઇ કારીયા, દિલીપભાઇ ગાજરા તથા ભરતભાઇ રાજાણી દ્વારા અર્પણ કરવામાં આવ્યા. સ્વ. નટુભાઇ થાનકીનુ સન્માન સંદીપભાઇ તથા  મનોજભાઇ થાનકી દ્વારા સ્વીકારવામાં આવ્યુ. તેમને સન્માનપત્ર તેમજ પુષ્પગુચ્છ વિજયભાઇ ઉનડકટ, જતીનભાઇ હાથી ટી.કે.કારીયા, મુકેશભાઇ ઠક્કર તથા જયેન્દ્રભાઇ લાખાણી દ્વારા અર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ અનિલભાઇ કારીયા દ્વારા પોરબંદર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને વિવિધ કાર્યો માટે આપવામાં આવતા દાનના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને તેમા બહેન રેખાબેન મુકેશકુમાર લાખાણીનુ શાલથી સન્માન કર્યુ હતુ. 
કાર્યક્રમના આગળના દોરમાં ડિસ્ટ્રીકટ ચેમ્બરની વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ માનદમંત્રી જયેશભાઇ પત્તાણીએ રજુ કર્યો હતો. જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જોઇન્ટ કમીશ્નર ડી.આર. પરમારે ડિસ્ટ્રીકટ ચેમ્બરના  પ્રમુખને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી લેટર ઓફ એપ્રીસીએશન આપ્યુ. ત્યારબાદ જતીનભાઇ હાથીએ શ્રી હરિ શિપીંગ ના એમ.ડી. ઠકરારને પુષ્પગુચ્છ દ્વારા આવકાર આપ્યો હતો. ત્યારબાદ પદુભાઇ રાયચુરાએ પ્રવચન આપ્યુ હતુ.હિરલબા જાડેજાએ તેમજ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પ્રવચન આપ્યુ હતુ.કાર્યક્રમના અંતે ટી.કે.કારીયાએ આભારવિધિ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન જયેશભાઇ પત્તાણી તથા વિજયભાઇ ઉનડકટ દ્વારા કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News