અમદાવાદ સ્થિત મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન્સ દ્વારા શરૂ કરાયેલ કન્ટેન્ટ એન્ડ ક્રિએટર ઇકોનોમી કોર્સને દેશનો પ્રથમ ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર કેન્દ્રિત અભ્યાસક્રમ માનવામાં આવે છે. આ કોર્સની પ્રથમ બેચ વિવિધ ક્ષેત્રોના 22 વિદ્યાર્થીઓ સાથે શરૂ થઇ છે, જેમાં કન્ટેન્ટ ક્રિએટર્સ, બ્રાન્ડિંગ નિષ્ણાતો, ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રના વ્યાવસાયિકો અને કલાકારોનો સમાવેશ થાય છે.
લખનૌના રહેવાસી આશિષ દુર્ગાપાલે 2020માં પેડલિંગ લખનૌ નામથી સાયકલિંગ ગ્રુપની શરૂઆત કરી હતી. છેલ્લા છ વર્ષમાં આ ગ્રુપમાં 300થી વધુ સભ્યો જોડાયા છે. પોસ્ટર ડિઝાઇન, સોશિયલ મીડિયા કન્ટેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને બ્રાન્ડ્સ સાથે ભાગીદારી જેવા અનુભવો દ્વારા તેમણે માર્કેટિંગના અનેક પાસાઓ શીખ્યા. કમ્પ્યુટર સાયન્સના સ્નાતક આશિષનું માનવું છે કે આ કોર્સ તેમને ડિજિટલ ક્રિએટર જગત અને કન્ટેન્ટ માર્કેટિંગને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરશે.
કોર્સના અધ્યક્ષ પ્રોફેસર ફાલ્ગુની વસાવડા-ઓઝા જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કન્ટેન્ટ ક્રિએટર ઇકોનોમીમાં જબરદસ્ત વધારો થયો છે. આજે સોશિયલ મીડિયા, પોડકાસ્ટ અને વેબ શોઝ માત્ર લોકપ્રિયતા સુધી સીમિત નથી રહ્યા, પરંતુ કરોડો રૂપિયાના વ્યવસાયમાં પરિવર્તિત થયા છે. માત્ર એક કેમેરા, ઇન્ટરનેટ અને સર્જનાત્મક વિચારશક્તિના આધારે કોઈપણ વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવી શકે છે. આ બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોર્સમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને ટેલેન્ટ મેનેજમેન્ટ જેવા ચાર મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના આ વર્ષની કેન્દ્રીય બજેટમાં ઓરેન્જ ઇકોનોમી એટલે કે સર્જનાત્મક અને સાંસ્કૃતિક ઉદ્યોગોને આર્થિક વિકાસનો મહત્વપૂર્ણ આધારસ્તંભ જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2030 સુધીમાં આ ક્ષેત્રમાં આશરે 20 લાખ વ્યાવસાયિકોની જરૂરિયાત ઊભી થશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેના વિકાસ માટે ખાસ નાણાકીય ફાળવણી પણ કરવામાં આવી છે.
કોર્સમાં જોડાયેલી આર્યા શુક્લાએ ઇન્સ્ટાગ્રામ પર 6,000થી વધુ ફોલોઅર્સનો વર્ગ ઊભો કર્યો છે. તેઓ આર્ટ, લેખન અને સ્ટોરીટેલિંગમાં કાર્યરત છે અને માર્કેટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વધતી ભૂમિકા સાથે માનવીય સર્જનાત્મકતા અને સ્ટોરી ટેલીંગનું મહત્વ જાળવી રાખવા માંગે છે. જ્યારે કથક નૃત્યાંગના વાની કપૂરે વિવિધ જાહેરાતો અને ટેલિવિઝન પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેઓ આ કોર્સ દ્વારા અર્થપૂર્ણ, મૌલિક અને અસરકારક વાર્તાઓ આધારિત કન્ટેન્ટ તૈયાર કરવાની કુશળતા વિકસાવવા ઇચ્છે છે.