ન.પા.શિક્ષણ સમિતિના ચેરમેને ૬૨ આચાર્ય અને શિક્ષકોનો પૂછયો ખુલાસો

  • May 11, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે લોકોએ મનકી બાત સાંભળવાનો કાર્યક્રમ કેમ ન ગોઠવ્યો ?: શું સરકારી કાર્યક્રમમાં શિક્ષકોને હાજરી આપવી ફરજીયાત છે ?: ચેરમેનની સતા શું છે તે વિચારવાની જરુર: આ પ્રકારના આદેશથી શિક્ષકો અને આચાર્યોમાં કચવાટ: તપાસ થશે કે કેમ ?

જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ અવારનવાર વિવાદોના વંટોળમાં રહ્યા કરે છે, ચેરમેનની મળેલી સતાનો દુરુપયોગ કરીને આચાર્યો અને શિક્ષકોને કેવી રીતે ધબડાવવા તે અંગે કારસા ઘડવામાં આવે છે તો શું આ અંગે ભાજપની સંગઠન પાંખ શું કરે છે, એક તરફ રાજકોટની શિક્ષણ સમિતિને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક ઝાટકે ઘરભેગી કરી દીધી ત્યારે જામનગર શિક્ષણ સમિતિના ચેરમેને સરકારી કાર્યક્રમ મન કી બાત કેમ ન યોજયો ? સરકારી કાર્યક્રમમાં કેમ હાજરી ન આપી તે અંગે સમિતિના સ્કુલના ૬૨ આચાર્યો અને શિક્ષકોનો ખુલાસો માંગતા ભારે ખળભળાટ મચી ગયો છે, બીજી તરફ ચેરમેન પાસે આવી કોઇ સતા છે ? સરકારી કાર્યક્રમમાં હાજર ન રહેવા અંગે ખુલાસા માંગી શકે ? તે અંગે પણ શિક્ષકો અને આચાર્યોમાં ભારે કચવાટની લાગણી જન્મી છે.
જાણવા મળતી માહિતી મુજબ તા.૧ના રોજ જામનગરમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્યો અને શિક્ષકોને આ કાર્યક્રમમાં હાજરી દેવા ચેરમેને સુચના આપી હતી, ત્યારબાદ કેટલાક શિક્ષકો અને આચાર્યો અમુક કામ સબબ હાજર પણ રહ્યા ન હતાં અને ચેરમેનના માનીતા શિક્ષકો અને આચાર્યો હાજર રહીને ચેરમેનની ચાપલુસી કરી હતી, તા.૩૦ના રોજ મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપીસોડ હતો, ભાજપ દ્વારા તો દરેક વોર્ડમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજીને તેના કાર્યકરોને પરાણે મન કી બાત સાંભળવા આદેશ આપ્યો હતો તે યોગ્ય છે, પરંતુ સરકારી કાર્યક્રમ હોય શિક્ષણ સમિતિના ચેરમેન મારફત નિરીક્ષકોનો ઉપયોગ કરીને સોશ્યલ મીડીયા મારફત તમામ આચાર્યો અને શિક્ષકોએ હાજર રહેવું તે અંગે જાણ કરી હતી.
હાજર ન રહેતા સમિતિના ચેરમેન ગુસ્સામાં લાલચોળ થઇ ગયા હતાં અને આદેશ કરીને તમામ શિક્ષકો અને આચાર્યોના ખુલાસા પુછવા આદેશ કરાયો હતો, બીજી તરફ આ પ્રકારની સરકારી કાર્યક્રમોમાં હાજર રહેવા માટે ચેરમેન આવા આદેશ આપી શકે કે કેમ ? તેમની પાસે આવી કોઇ સતા અપાઇ છે કે કેમ ? તે અંગે તપાસ કરવાની જરુર છે.
**
શિક્ષણ સમિતિના ચેરમેનની ગાડી દોડતી થાકતી નથી: બીલ અંગે ખુલાસો
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની ગાડી ગીત પ્રમાણે મનુભાઇની મોટર ચાલી પમ પમ પમ. તીર્થ સ્થાનોએ આ ગાડી દોડાદોડી કરી રહી છે, એક મહીનાનું બીલ ૩૦૦ કીલોમીટરનું ૩૩ હજારથી વધુ ન આવવું જોઇએ તેને બદલે અધધધ...રુા.૭૫ હજાર આવ્યું હોવાનું શિક્ષણાધિકારીએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં કહ્યું છે, આખરે આ બીલની રકમ રુા.૩૩ હજાર ચુકવણી કરવી તેવું નકકી થયું છે પરંતુ બાકીની રકમ કોણ ચુકવશે ? કયા હેડમાં નાખવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કમિશ્નર તરફથી કરવામાં આવી નથી, વધુ ગાડી દોડતી અંગે ભૂતકાળમાં એક ચેરમેને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ગાડીને પણ દ્વારકા દેખાડયું ત્યારબાદ તેને દંડ કરવામાં આવ્યો હતો, ફરીથી એપ્રિલ માસનું શિક્ષણ સમિતિના ચેરમેન ગાડીનું બીલ ૩૩ હજારથી બદલે ૪૧ હજારનું આવ્યું છે, આ અંગે ભાજપના સ્થાનિક શહેર અઘ્યક્ષ તેમજ અન્ય હોદેદારોને પણ જાણ કરવામાં આવી છે, છેલ્લા કેટલાય સમયથી સમિતિની ગાડી પુરપાટ ઝડપે દોડે છે, પ્રજાના પૈસાનો ધુમાડો થાય છે, હવે ચેરમેન પાસેથી કેટલી રકમની રિકવરી થાય છે તે તો સમય કહેશે, ફરીથી મ્યુ.કમિશ્નરને પત્ર લખીને એપ્રિલ માસનું બીલ આઠ હજાર વધુ એટલે કે રુા.૪૧ હજાર આવ્યું છે તેમ જણાવતા ભારે ચકચાર જાગી છે, જેમ રાજકોટમાં અન્ય કૌભાંડમાં ભાજપના સી.આર.પાટીલે આખી સમિતિને ઘરભેગી કરી દીધી ત્યારે જામનગરની શિક્ષણ સમિતિના ચેરમેનનું કાર કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે સ્થાનિક સંગઠન પાંખ અને ભાજપના પ્રદેશ પ્રમુખ આ અંગે કેવા પગલા લેશે તે અંગે સૌની નજર છે.
**
શાસના અધિકારી ફાલ્ગુનીબેન પટેલ કહે છે કે, ચેરમેનને આવી કોઇ સતા નથી
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિવાદ વધુ ઘેરો બન્યો છ ત્યારે શિક્ષકો અને આચાર્યોને ખુલાસો માંગવાની નોટીસ પ્રકરણમાં આજકાલ સાથેની વાતચીતમાં શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે કહ્યું હતું કે, કોઇપણ સરકારી કાર્યક્રમ હોય ત્યારે આ પ્રકારના આદેશ આપવાની શિક્ષણ સમિતિના ચેરમેનને કોઇ સતા નથી, તેમણે આદેશ કઇ રીતે આપ્યો તે મને ખબર નથી પરંતુ આ અંગે તપાસ કરીશ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application